સમયસાર ગાથા-૧૬૬ ] [ ૨૪૧ જ્ઞાન હોય છે, અને તે સ્વ-પરને જાણનારું જ્ઞાન પોતે પોતાને લઈને થાય છે. તેથી તે રાગાદિનો જ્ઞાતા જ છે. તેને નિરંતર જ્ઞાનમય જ પરિણમન હોય છે.
‘તેને ચારિત્રમોહના ઉદયની બળજોરીથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી.’
અહીં ઉદયની બળજોરી કહી ત્યાં કર્મ બળજોરીએ તેને રાગ કરાવે છે એમ અર્થ નથી. પણ તેને રાગની રુચિ નથી છતાં તેને અસ્થિરતાના કારણે કિંચિત્ રાગ થાય છે તો તેને ઉદયની બળજોરી કહી છે. પોતાનો પુરુષાર્થ કંઈક કમજોર છે એટલે ઉદયની બળજોરી છે એમ કહ્યું છે. રુચિમાં તો ભગવાન આત્મા છે, રાગ નહિ તેથી કહ્યું કે ચારિત્રમોહના ઉદયની બળજોરીથી કંઈક રાગ થાય છે પણ તેનું એને સ્વામીપણું નથી. એ ભલો છે, કરવા જેવો છે એમ એને આત્મબુદ્ધિ અને કર્તાબુદ્ધિ નથી.
આસ્રવ અધિકારની પહેલી ગાથામાં (ગાથા ૧૬૪-૧૬પ માં) એવું આવ્યું કે મિથ્યાત્વ- રાગ-દ્વેષમય પરિણામ જીવના જીવને કારણે થાય છે. તેઓ (અજ્ઞાનદશામાં) જીવના છે અને એના અસ્તિત્વમાં થાય છે એમ ત્યાં જ્ઞાન કરાવ્યું. હવે અહીં તો જ્ઞાનસ્વભાવી આત્માનું ભાન થયું છે; તેનું વલણ થયું છે તેથી આસ્રવનો-રાગાદિનો જીવ જ્ઞાતા જ છે એમ કહ્યું છે. લ્યો, આમ જ્ઞાતાપણે રહે-પરિણમે તેને ધર્મ થાય છે.
ભાઈ! ઉદ્ધારનો-મુક્તિનો રસ્તો તો આ છે. એનો વિરોધ ન થાય, બાપુ! કેમકે એથી તો પોતાનો જ વિરોધ થાય છે. સામાયિક, પોસા અને પ્રતિક્રમણ આદિ બાહ્ય ક્રિયાઓ છે એ તો શુભરાગ છે. એ રાગનો પુરુષાર્થ તો કૃત્રિમ છે. ધર્મની પ્રાપ્તિ તો સ્વભાવના સહજ પુરુષાર્થથી થાય છે. ભાઈ! આ સત્ય સમજવાનો કાળ છે હોં. માર્ગ આકરો લાગે પણ ખરેખર આકરો નથી કેમકે સ્વભાવ તો સહજ છે.
નાથ! ભગવાને તો એમ કીધું છે કે જે સ્વરૂપની રચના કરે તેને વીર્ય કહીએ; રાગની રચના કરે એ તો નપુંસકપણું છે. વિભાવની રચના કરે તે વીર્ય ગુણનું પુરુષાર્થ ગુણનું કાર્ય નથી. શું કીધું? વીર્યગુણ-પુરુષાર્થ-શક્તિ જે છે તે આત્માનું સહજ છે અને તે સ્વરૂપની રચના કરે છે. અહા! જેણે સ્વભાવવાન ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ એણે સ્વભાવને-પુરુષાર્થને માન્યો છે અને એને નિર્મળ પરિણતિની રચના થાય છે. મલિન પરિણતિ થાય એ વીર્યગુણનું કાર્ય છે જ નહિ.
પહેલાં રાગ-દ્વેષ-મોહના પરિણામ આત્મામાં પોતાથી થયા છે એમ કહ્યું ત્યાં પર્યાયને સ્વતઃ સિદ્ધ કરી છે. ત્યારે અહીં આત્મા જ્યાં જ્ઞાની થયો ત્યાં એને ચૈતન્યના વલણવાળા જ્ઞાનમય પરિણામ હોવાથી રાગનું કર્તૃત્વ રહેતું નથી. એમ કહે છે. અહા!