૨૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જેને ચૈતન્યસ્વભાવનું જ્ઞાન અને ભાન થયું તે જ્ઞાનીને ઉદયની બળજોરીથી કિંચિત્ રાગ થાય છે પણ તેનું એને સ્વામીપણું નથી; તે રાગ સાથે એકત્વ પામતો નથી. જે શુદ્ધ દ્રવ્યમાં એકત્વ કરીને જ્ઞાનભાવે પરિણમ્યો તે જ્ઞાનીને અલ્પ રાગ થાય પણ તેમાં તે એકપણું પામીને ખરડાતો નથી.
ભાઈ! તું ચોરાસી લાખ યોનિમાં-એક એક યોનિમાં અનંતવાર જન્મ-મરણ કરી ચૂકય ો છે. અહીં તને જન્મ-મરણ રહિત થવાની રીત કહેવામાં આવે છે. આ તારો સમજણનો કાળ છે.
આત્મામાં એક ‘સ્વસ્વામી-સંબંધ શક્તિ’ છે. તે વડે ચૈતન્યદ્રવ્ય, ગુણ અને એની નિર્મળ પર્યાય બસ એ તેનું સ્વ છે અને આત્મા તેનો સ્વામી છે. આવી આત્મામાં સંબંધ શક્તિ છે. પરંતુ રાગનો સ્વામી થાય એવો કોઈ આત્મામાં ગુણ નથી. તેથી જ્ઞાની થતાં રાગનો સ્વામી જ્ઞાની થતો નથી. ‘તે રાગાદિકને રોગ સમાન જાણીને પ્રવર્તે છે-અને પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે.’ જ્ઞાનીને રાગ રોગસમાન દુઃખરૂપ લાગે છે. કોઈ રીતે સમાધાન થતું નથી તેથી રાગમાં આવી જાય છે પણ તે એને રોગ સમાન જાણીને પ્રવર્તે છે. જેમ કોઈ રોગી રોગને ઔષધ વડે દૂર કરતો થકો પ્રવર્તે છે તેમ જ્ઞાની પોતાની શક્તિ વડે-સ્વભાવના પુરુષાર્થ વડે રાગને કાપતો જાય છે અર્થાત્ દૂર કરતો જાય છે.
જુઓ, કોઈ એમ કહે કે જ્ઞાનીને રાગ-દ્વેષ, દુઃખ હોય જ નહિ તો એ બરાબર નથી. અરે ભાઈ! જે હોઈ એને કાપતો જાય કે ન હોય એને? જ્ઞાનીને અસ્થિરતાનો અલ્પ રાગ-દ્વેષ તો થતો હોય છે અને તેને એ સ્વરૂપના અવલંબનની એકાગ્રતા ઉગ્ર કરીને કાપતો જાય છે એટલે ક્રમશઃ મટાડી દે છે. જેમ જેમ સ્વરૂપની એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ રાગનો ક્રમશઃ અભાવ થતો જાય છે. પરંતુ જેટલા અંશે તેને રાગ છે તેટલું જ્ઞાનીને દુઃખ પણ અવશ્ય છે. હવે કહે છે-
‘માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવા છે; તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી.’ જુઓ, બંધ તો કરે છે પણ સામાન્ય એટલે અનંત સંસારનો બંધ કરતા નથી, માત્ર અલ્પ સ્થિતિ-અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને અહીં ગણવામાં આવ્યો નથી.’ દ્રષ્ટિની પ્રધાનતામાં અલ્પ બંધ કાંઈ નથી. અહો! આવો દ્રષ્ટિનો કોઈ અચિંત્ય મહિમા છે.
‘આ રીતે જ્ઞાનીને આસ્રવ નહિ હોવાથી બંધ થતો નથી.’