સમયસાર ગાથા-૧૬૭ ] [ ૨૪૭
જુઓ, શું કહ્યું? કે જો લોહચુંબક-પાષાણ સાથે સોય સંસર્ગ કરતી નથી તો તે ગતિપરિણામને ઉત્પન્ન કરનારા ભાવને પામતી નથી અને તેથી ગતિ કરતી નથી. લોહચુંબકના સંસર્ગના અભાવે સોય સોયમાં જ એટલે તેના સ્વભાવમાં જ રહે છે. ચુંબકના સંસર્ગના અભાવે ઉત્પન્ન થયેલો ભાવ સોયને (સ્થિરપણાના) સ્વભાવમાં સ્થાપે છે, સોયમાં ગતિ- પરિણામને (વિભાવને) ઉત્પન્ન કરતો નથી.
‘તેમ રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી (અર્થાત્ કર્મ કરવાનો જેનો સ્વભાવ નથી) એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે.’
જુઓ, ભગવાન આત્મા એકલા જ્ઞાનસ્વરૂપે છે, તેમાં રાગ-દ્વેષ-મોહની ભેળસેળ નથી. રાગ ને આત્મા એક નથી. આવી ભિન્નતાના વિવેકયુક્ત ભાવને જ્ઞાનમય ભાવ કહે છે. શુદ્ધ ચૈતન્યમય આત્માના અનુભવથી-પરિચયથી ઉત્પન્ન થયેલા જ્ઞાનમય ભાવમાં અસ્થિરતાનો જે રાગ થાય તેને કરવાની ઉત્સુકતા નથી. અહા! જ્ઞાનીને રાગ કરવાની રુચિ કે હોંશ નથી. રાગ ભલો છે એમ રાગની દશાને પ્રેરીને રાગ કરે એવી દશા જ્ઞાનીને નથી.
શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયકનું જેને ભાન થયું છે તે જ્ઞાનીને રાગાદિ સાથે અભેળસેળપણાને લીધે જ્ઞાનમય ભાવ પ્રગટ થયો છે, અને તેથી રાગના કર્તાપણાની બુદ્ધિ એને છૂટી ગઈ છે. હું રાગ કરું એવો અભિપ્રાય એને છૂટી ગયો. ભગવાન જ્ઞાયક સાથે એકત્વ થયું હોવાથી તેને કર્મ કરવાની ઉત્સુકતા હોંશ નથી. અહાહા...! જ્ઞાયકસ્વભાવમાં કર્મ (-રાગાદિ) નહિ અને કર્મનું (-રાગાદિનું) કર્તાપણું પણ નહિ. આવા જ્ઞાયકને દ્રષ્ટિમાં લેનાર જ્ઞાનીને કર્મ કરવા પ્રતિ નિરુત્સુકતા છે. (અર્થાત્ તે રાગાદિના કર્તાપણાથી વિરત્ત છે).
ધર્મના સ્વરૂપની આવી વાતો છે. સંપ્રદાયમાં તો દયા પાળવી, વ્રત કરવાં, પોસા ને પ્રતિક્રમણની ક્રિયાઓ કરવી-એટલે સમજે કે ધર્મ થઈ ગયો, કેમકે એ બધું સહેલું સટ હતું ને? પણ સહેલું શું? ભાઈ! એ તો બધું જિંદગી હારી જવાનું હતું. રાગથી ભેળસેળ કરીને રાગનો કર્તા થાય એ તો અજ્ઞાનમય ભાવ છે, બંધનમાં નાખનારો ભાવ છે. જ્ઞાનીને જોકે બાહ્યક્રિયાનો અલ્પ રાગ થાય છે પણ તેને રાગમાં એકતાબુદ્ધિ નથી. તે રાગને જ્ઞાનથી પૃથક્ રાખીને રાગનું જ્ઞાન કરે છે, રાગનો કર્તા થતો નથી.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ જ્ઞાતા-દ્રષ્ટા છે. તે પોતાના સ્વસંવેદનજ્ઞાનમાં જ્યાં પ્રત્યક્ષ જણાયો ત્યાં રાગ પૃથક્ પડી જાય છે. જ્ઞાની રાગની ભેળસેળ કરતો નથી. તે પુણ્યના-દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ સાથે અભેળસેળપણે