૨૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પૃથક્ જ રહે છે. જ્ઞાન રાગને જાણે છે પણ જ્ઞાન રાગમય થઈ જતું નથી, ભિન્ન જ રહે છે.
આવો માર્ગ બાપા! સમજવાનો આ અવસર છે. અરે! ક્ષણમાં દેહ તો છૂટીને ચાલ્યો જશે. કોઈની પાસેથી માન કે અભિનંદન મળ્યાં હશે તે કોઈ ત્યાં કામ નહીં આવે. ત્યાં તો જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા જે થયાં છે તે જ કામ આવશે. અહો! અમૃતચંદ્રાચાર્યદેવની આ ‘આત્મખ્યાતિ’ ટીકા અતિ ગંભીર રહસ્યોથી ભરેલી છે.
શ્રી જયસેનાચાર્યે પણ લોહચુંબકનો દાખલો લીધો છે. ભગવાન આત્મા સદાય જ્ઞાયક જ છે. પરંતુ તે રાગના વિકલ્પથી ભેળસેળપણું કરે છે ત્યારે તેને ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ તેને રાગાદિ કર્મ કરવાને પ્રેરે છે. પણ જો તે રાગાદિથી ભેળસેળપણું કરતો નથી, સંસર્ગ કરતો નથી તો તે સ્વભાવમાં-જ્ઞાનભાવમાં જ રહે છે. અહા! રાગથી એકતા તોડીને જેણે નિજ જ્ઞાયકસ્વભાવમાં એકત્વ કર્યું તે પોતાને સ્વભાવમાં સ્થાપે છે અર્થાત્ તે પોતાને પોતામાં જવા માટે પ્રેરે છે. જ્ઞાની આત્માને આત્મામાં જ સ્થાપે છે. જેમ ચુંબકના સંસર્ગના અભાવમાં લોખંડની સોય ગતિ કરતાં અટકી જાય છે તેમ જ્ઞાની જ્ઞાનમય ભાવના કારણે રાગમાં ગતિ કરતાં અટકી જાય છે. જ્ઞાની જ્ઞાનસ્વભાવમાં-જ્ઞાયકભાવમાં જ પોતાને સ્થાપે છે. આનું નામ ધર્મ અને આનું નામ મોક્ષમાર્ગ છે.
રાગનું જેટલું પરિણમન પોતામાં છે તેને જ્ઞાની જાણે જ છે, કરતો નથી. અલબત પરિણમનની અપેક્ષાએ જ્ઞાની તે તે રાગનો કર્તા છે એમ કહેવાય છે પણ ત્યાં રાગ કરવા લાયક કર્તવ્ય છે એમ તેને નથી. મુનિરાજને છટ્ઠે ગુણસ્થાને જે રાગાંશ છે તેના તે પરિણમનની દ્રષ્ટિએ કર્તા છે પણ કર્તાબુદ્ધિએ નહિ; કેમકે કર્તાબુદ્ધિએ રાગને કરવો એ જીવનો સ્વભાવ જ નથી.
હવે કહે છે-‘માટે રાગાદિ સાથે મિશ્રિત (-મળેલો) અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી બંધક છે અને રાગાદિ સાથે અમિશ્રિત ભાવ સ્વભાવનો પ્રકાશક (-પ્રગટ કરનાર) હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી.’
જુઓ, આ સરવાળો કહ્યો. ભગવાન આત્મા પ્રજ્ઞા-બ્રહ્મસ્વરૂપ પ્રભુ સદા અબંધસ્વભાવ છે. પણ રાગાદિ એટલે પુણ્ય-પાપના ભાવ સાથે તેને ભેળવતાં અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે; તે રાગાદિ કરવાને પ્રેરતો હોવાથી બંધક છે, બંધનનો કરનારો છે.
પરંતુ રાગથી ભેળસેળ વિનાનો, રાગથી ભિન્ન પડેલો જે ભાવ છે તે સ્વભાવનો પ્રકાશક છે. પુણ્ય-પાપથી નહિ ભળેલો ભાવ સ્વભાવનો પ્રકાશક એટલે પ્રગટ કરનારો હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરાપણ બંધક નથી.