સમયસાર ગાથા-૧૬૭ ] [ ૨૪૯
જ્ઞાનીને કિંચિત્ રાગ થાય છે, પણ તે રાગમાં એકત્વ નહિ કરતો હોવાથી દ્રષ્ટિની અપેક્ષાએ તેનો તે સ્વામી નથી. પરિણમનની અપેક્ષાએ તે રાગનો સ્વામી છે કારણ કે રાગના પરિણામ કાંઈ કર્મને લઈને થાય છે એમ નથી. જ્ઞાનીને છટ્ઠે ગુણસ્થાને જે રાગ છે તેનો તે પર્યાય અપેક્ષાએ સ્વયં કર્તા-ભોક્તા છે. તે પણ જે અલ્પ રાગ છે તેનું કર્તાપણું અને ભોક્તાપણું પોતાનું છે એમ યથાર્થ જાણે છે. તેને કર્મને લઈને રાગ થયો છે અને કર્મને લઈને રાગનું ભોગવવાપણું થાય છે એમ નથી.
કોઈ એમ માને કે-જ્ઞાની થયો એટલે એને રાગેય નથી અને બંધનેય નથી તો એમ વાત નથી. આગળ ગાથા ૧૭૧ માં આવશે કે જ્ઞાનીને પણ જ્યાં સુધી જઘન્ય પરિણમન છે, યથાખ્યાતચારિત્ર પ્રગટ થયું નથી ત્યાં સુધી રાગનું પરિણમન છે અને તેટલું બંધન પણ છે, પરંતુ અનંત સંસારનું કારણ થાય તેવું બંધન નથી.
કોઈને વળી થાય કે આવો ધર્મ કયાંથી કાઢયો! કાઢે કયાંથી? એ તો અનાદિનો છે જ. આ તો બહાર કાઢીને બતાવ્યો છે.
રાગ કરતાં કરતાં લાભ થાય, શુભરાગથી-પુણ્યભાવથી ધર્મ થાય એમ અબંધસ્વભાવને રાગ સાથે ભેળવવું એ જ અજ્ઞાન છે અને તે અજ્ઞાનમય ભાવ, મિથ્યાદર્શનનો ભાવ બંધક છે, બંધનું જ કારણ છે. અને ભગવાન જ્ઞાયકને બંધસ્વભાવી રાગ સાથે ભેળસેળ ન કરતાં, અર્થાત્ રાગથી ભિન્ન પડીને સ્વભાવમાં રહેતાં જે જ્ઞાનભાવ પ્રગટ થયો તે જરાપણ બંધક નથી. જ્ઞાનભાવ પ્રગટતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો જરાય બંધ થતો નથી. લ્યો, આનું નામ ધર્મ છે અને આ ધર્મી છે.
‘રાગાદિક સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધનો કરનાર છે. પુણ્ય-પાપના ભાવ અને આત્મા એક છે એવા ભેળસેળથી ઉત્પન્ન જે અજ્ઞાનમય ભાવ છે તે જ બંધનો કરનાર છે.’ ‘રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ બંધનો કરનાર નથી-એ નિયમ છે.’ પુણ્યના વિકલ્પ સાથે નહિ મળેલો એવો જ્ઞાનમય ભાવ બંધનો કરનારો નથી. અબંધસ્વભાવી ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ અબંધક છે.
જ્યાં સુધી રાગમિશ્રિત પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી અજ્ઞાનભાવ છે અને તે રાગના કરવાપણાનો પ્રેરનાર હોવાથી બંધક જ છે. તથા રાગથી ભિન્ન પોતાના જ્ઞાયકસ્વભાવને જાણતાં-અનુભવતાં જ્ઞાનમય ભાવ પ્રગટ થાય છે અને તે આત્માને આત્મામાં- જ્ઞાનમાં સ્થાપે છે, રાગના કરવાપણામાં સ્થાપતો નથી અને તેથી તે અબંધક છે. આવી વાત છે. (અહીં અસ્થિરતાનો રાગ ગણતરીમાં નથી એમ સમજવું).