૨પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ને રોકી દીધો -એમ નહિ, પણ ભાવાસ્રવ જ્યાં નથી ત્યાં દ્રવ્યાસ્રવનો પ્રવાહ ઉદ્ભવતો જ નથી-તેને રોકી દીધો એમ કહેવામાં આવ્યું છે.
હવે કહે છે-‘તેથી તે ભાવ જ (જ્ઞાનમય ભાવ જ) ભાવ-આસ્રવના અભાવસ્વરૂપ છે.’
રાગથી ભિન્ન પડેલો જ્ઞાનમય ભાવ ભાવાસ્રવના અભાવસ્વરૂપ છે, અને તેથી દ્રવ્યાસ્રવ થતો નથી. દયા, દાન, વ્રત, કામ, ક્રોધ, વિષયવાસના આદિ ભાવ ભાવાસ્રવ છે અને દ્રવ્યકર્મના રજકણો જે આત્માના એકક્ષેત્રાવગાહે આવે તે દ્રવ્યાસ્રવ છે.
હવે અહીં પંડિત જયચંદજી વિશેષ ખુલાસો કરતાં કહે છે કે-‘સંસારનું કારણ મિથ્યાત્વ જ છે; તેથી મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ થતાં, સર્વ ભાવાસ્રવનો અભાવ થયો એમ અહીં કહ્યું.’
લ્યો, એક બાજુ કહે કે-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ બંધનું કારણ છે અને અહીં એમ કહે કે મિથ્યાત્વ એ જ સંસાર છે, એ જ બંધ છે-એ કેવું!
અહીં અવ્રતાદિના પરિણામ અલ્પ સંસારનું કારણ હોવાથી તેને ગૌણ કરેલ છે. બાકી તો મુનિને છટ્ઠે ગુણસ્થાને જે શુભભાવ થાય તેને ‘જગપંથ’ કહ્યો છે. પરંતુ તે અનંત સંસારનો પંથ નથી; થોડા દેવ અને મનુષ્યના ભવ થાય તેવો એ ભાવ છે. તેને અહીં ગૌણ કર્યો છે. આત્મસ્વભાવના ભાવને-જ્ઞાનમય ભાવને શિવપંથ કહ્યો છે. અનંતાનુબંધીના અભાવ-પૂર્વકનું જે સ્વરૂપ-આચરણ છે તે પણ વીતરાગ અવસ્થા છે અને તે શિવપંથ છે.
સંસારનું કારણ મિથ્યાત્વ જ છે એમ કહ્યું. અનંત નરક-નિગોદના ભવસિંધુનું કારણ મિથ્યાત્વ જ છે. મિથ્યાત્વ નાશ પામતાં જે અલ્પ કષાય રહ્યો તેનો અલ્પ કાળમાં-એક, બે ભવમાં અભાવ થઈ જાય છે. જેમ વૃક્ષનાં મૂળ ઉખડી ગયા પછી તેનાં લીલાં પાંદડાં સૂકાઈ જ જાય તેમ મિથ્યાત્વનું મૂળ કપાઈ જતાં અલ્પ કાળમાં રાગાદિનો અભાવ થઈ જ જાય છે. પરંતુ જેમ વૃક્ષનાં મૂળ સાજાં હોય તો તોડી નાખવા છતાં પાંદડાં ફરી આવે છે તેમ મિથ્યાત્વ રહે ત્યાં સુધી રાગની પરંપરા-સંસારની પરંપરા અનંત કાળ સુધી ચાલ્યા જ કરે છે. માટે મિથ્યાત્વનો અભાવ થતાં સર્વ ભાવાસ્રવનો અભાવ થયો એમ અહીં કહ્યું છે.
ભાઈ! જેને શ્રદ્ધામાં ગોટા છે તેનાં વ્રત, તપ કે સંયમ સાચાં હોતાં નથી.