૨૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એક જ નિશ્ચયથી મોક્ષનું કારણ છે; તોપણ જેને નિશ્ચય-દ્રષ્ટિ થઈ છે, કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે, છતાં રાગ (ભેદરત્નત્રયનો) આવે છે એવા ધર્મી જીવના ભેદરત્નત્રયના પરિણામને આરોપ આપીને અભેદરત્નત્રયની સાથે મોક્ષનું કારણ કહ્યું છે.
ભાઈ! આત્મા શું ચીજ છે એની જેને ખબર જ નથી એવા અજ્ઞાનીને તો વ્યવહાર જ નથી. જેને અભેદની દ્રષ્ટિ નથી એને કયાં ભેદરત્નત્રય છે? અજ્ઞાનીનો દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ કાંઈ વ્યવહાર નથી, એ તો વ્યવહારાભાસ છે. જ્ઞાનીને જે રાગ થાય છે તેને તે માત્ર જાણે જ છે, કરતો નથી અને એવા જાણનારની જે દ્રષ્ટિ અને સ્થિરતા અંદરમાં થયાં છે તે જ વાસ્તવિક મોક્ષનું કારણ છે. આવી વાત છે.
‘જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો છે તે તો માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે.’
જ્ઞાનીને દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો એના દ્રવ્યમાં તો નથી પણ એની પર્યાયમાં પણ એનો અભાવ છે. જેમ પર્યાયમાં રાગ-દ્વેષનો સંબંધ છે તેમ પર્યાયમાં કર્મનો સંબંધ નથી. તેમનો બંધ વા સંબંધ પુદ્ગલમય કાર્મણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નહિ. ભગવાન આત્મા તો પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ ચૈતન્યમય જ છે; એની સાથે જડ અચેતન એવા કર્મને કાંઈ પણ સંબંધ નથી.
લૌકિકમાં સ્ત્રી-કુટુંબ-પરિવાર વગેરેને આ અમારા સંબંધીઓ છે એમ નથી કહેતા? આ અમારા નાતીલા છે અને એમની સાથે અમારે ખૂબ પુરાણો સંબંધ છે એમ કહે છે ને? બાપુ! કોની સાથે તારે સંબંધ? બહુ તો અજ્ઞાનમાં તારે રાગ-દ્વેષ અને વિકાર સાથે સંબંધ છે; જ્ઞાનમાં તો એ સંબંધ પણ નથી. ત્યાં હવે અન્ય સાથે સંબંધ કયાંથી આવ્યો? પુદ્ગલકર્મ સાથે પણ સંબંધ કયાંથી હોય? અહા! ચૈતન્ય ભગવાન આનંદના નાથને જ્યાં રાગના કર્તાપણાથી ભિન્ન ભાળ્યો ત્યાં એને કર્મના જડ પુદ્ગલો સાથે તો સંબંધ નથી, ભાવાસ્રવ સાથે પણ સંબંધ નથી.
જ્ઞાનીને ભાવાસ્રવનો અભાવ હોવાથી દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો નવાં કર્મના આસ્રવણનું કારણ થતા નથી. જડ કર્મ ઉદયમાં આવે, પણ મિથ્યાત્વ અને તત્સંબંધી રાગદ્વેષરૂપ ભાવાસ્રવો નથી તો જૂનાં કર્મ નવા બંધનું કારણ થતાં નથી. આગળ આ વાત આવી ગઈ કે જડકર્મ છે તે ખરેખર આસ્રવો છે અને નવા બંધનનું કારણ છે; પણ કોને? મિથ્યાત્વ અને રાગ-દ્વેષપણે પરિણમે તેને. મિથ્યાત્વ અને રાગ દ્વેષ ન કરે તો તે કર્મનો ઉદય નવાં કર્મના આસ્રવણનું કારણ નથી. તેથી આ અપેક્ષાએ પણ જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ છે.