૨૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મુક્તસ્વરૂપે-અબદ્ધસ્વરૂપે દેખવો એ જૈનશાસન છે. (જ્ઞાની પર્યાયમાં જૈનશાસન પામેલો છે.)
સમયસાર ગાથા ૧૪ અને ૧પ માં પણ આવ્યું કે-આત્મા અબદ્ધસ્પૃષ્ટ છે. અહા! રાગથી એ બંધાયેલો નથી તો પછી કર્મથી એ બંધાયેલો છે એ વાત કયાં રહી? (ન રહી). સૂકાયેલા નાળિયેરમાં જેમ ગોળો છૂટો હોય છે તેમ ભગવાન આત્મા રાગ અને કર્મથી છૂટું તત્ત્વ છે.
પ્રવચનસાર, ગાથા-૨૦૦ માં આવે છે કે-અનાદિ સંસારથી જ્ઞાયક જ્ઞાયકભાવપણે જ રહ્યો છે. અનેક જ્ઞેયને જાણવાપણે પરિણમ્યો હોવા છતાં સહજ અનંતશક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે એકરૂપતાને છોડતો નથી. અજ્ઞાની જીવોને મોહને લઈને અન્યથા અધ્યવસિત થાય છે. અહાહા...! ભગવાન આત્મા તો સદા નિર્મળાનંદ સચ્ચિદાનંદ પ્રભુ છે. સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો ગોળો ભગવાન આત્મા છે. ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ અનાદિ-અનંત જ્ઞાયકભાવ જ્ઞાયકભાવરૂપે જ છે. પરજ્ઞેયને જાણવા છતાં શુદ્ધ તત્ત્વ પરજ્ઞેયપણે થયું નથી, છે નહિ અને થશે નહિ.
હવે આવી (સ્વભાવ-વિભાવના ભેદજ્ઞાનની) વાત સમજવાની લોકોને ફુરસદ હોય નહિ એટલે બિચારા કોઈ ઉપવાસ કરવામાં, તો કોઈ વ્રત પાળવામાં, કોઈ જાત્રા-ભક્તિ કરવામાં અને કોઈ મંદિરો બંધાવવામાં જોડાઈ ગયા છે. પણ ભાઈ! એ બધી જડની ક્રિયાઓ તો જડના કારણે એના કાળમાં થાય છે અને એ કાળે તને જો શુભરાગ હોય તો પુણ્યબંધ થાય પણ ધર્મ નહિ. પરદ્રવ્યની ક્રિયા-કાળે રાગનું નિમિત્ત હો ભલે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્ત હોય છે ખરું, પણ નિમિત્ત પરમાં કાંઈ (કાર્ય) કરે છે એમ નથી. લોકોને આ ખટકે છે. કર્મનો ઉદય નિમિત્ત હોય તો વિકાર થાય છે એમ માને છે તેમને આ ખટકે છે. પરંતુ એવી માન્યતા અયથાર્થ છે. ઉપાદાનની તે તે સમયની ‘યોગ્યતા જ’ તે તે પ્રકારે થવાની છે.
પ્રશ્નઃ– પરમાત્માની દિવ્યધ્વનિથી આત્માને જ્ઞાન થાય છે-એમ આવે છે ને? બનારસી- વિલાસમાં કહ્યું છે કે-
ઉત્તરઃ– ભાઈ! નિમિત્તનાં (નિમિત્તની મુખ્યતાનાં) કથન એમ જ આવે. જીવ સ્વયં પોતાથી સંશય ટાળે તો વાણીને નિમિત્ત કહેવાય છે. બાકી ભગવાન જ્ઞાયકની અંતર્દ્રષ્ટિ કરતાં જે જ્ઞાન થયું તે સંશય રહિત જ્ઞાન છે-અને તે સ્વભાવના પુરુષાર્થથી સ્વતઃ થયું છે; નિમિત્તથી નહિ. કહ્યું છે ને કે-