Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1732 of 4199

 

સમયસાર ગાથા-૧૭૧ ] [ ૨૭૧

અહા! આ તો એકદમ અધ્યાત્મ-વાણી છે. અનંતકાળમાં તું એને સમજ્યો નથી. છહઢાલામાં આવે છે ને કે-

‘‘મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.’’

જીવ નગ્નદશા સહિત ૨૮ મૂલગુણનું પાલન કરીને અનંતવાર ગ્રૈવેયકમાં ઉપજ્યો છે, પણ આસ્રવરહિત ભગવાન આત્માના જ્ઞાન વિના તેને અંશ પણ સુખ પ્રગટ થયું નહિ; અર્થાત્ દુઃખ જ થયું. જેને આત્મજ્ઞાન થાય તેને તો પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આવા આત્મજ્ઞાનના અભાવમાં પંચમહાવ્રતાદિનો ભાવ એ પણ દુઃખ અને આસ્રવ જ હતા.

સમ્યગ્દ્રષ્ટિને કમજોરીથી વ્રતનો વિકલ્પ આવે છે પણ તેને એમાં કર્તાબુદ્ધિ નથી (સ્વામીપણું નથી). ધર્મીને વ્રતાદિની ભાવના નથી. શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકિતી હતા. હાલ નરકમાં છે. ત્યાં સમયે સમયે તીર્થંકર ગોત્ર બાંધે છે અને આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર થશે. તેને હજારો રાજાઓ ચામર ઢાળતા અને હજારો રાણીઓ હતી. છતાં સમકિતી હતા ને? અભિપ્રાયની અપેક્ષાએ તેઓ નિરાસ્રવ જ હતા. અહા! સમ્યગ્દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી. લોકો બાહ્ય ત્યાગમાં ધર્મ માની લે છે પણ ધર્મ અંતરની જુદી ચીજ છે ભાઈ! ત્રણ લોકના નાથ વીતરાગ પરમેશ્વરની વાણીમાં તો એમ આવ્યું કે-પંચમહાવ્રતાદિ જેટલા ક્રિયાકાંડના ભાવ છે તે બધા આસ્રવ છે અને બંધનું કારણ છે. સમજાણું કાંઈ...?

તો જ્ઞાનીને તે આસ્રવ ભાવો કેવી રીતે છે? એનું સમાધાન કરે છે-

* ગાથા ૧૭૧ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (-ક્ષાયોપશમિક ભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે.’

શું કહે છે? કે અભિપ્રાયની અપેક્ષાએ જ્ઞાનીને નિરાસ્રવ કહ્યો, પરંતુ પરિણતિમાં તેને અસ્થિરતાનો કમજોરીનો રાગ-આસ્રવભાવ છે અને તેટલો બંધ પણ થાય છે. જ્ઞાનીને જ્ઞાનની પરિણતિ પૂર્ણ કેવળજ્ઞાનપણે પ્રગટ ન થાય અર્થાત્ જ્યાંસુધી જ્ઞાનગુણ જઘન્યભાવે (અલ્પભાવે) પરિણમે છે ત્યાંસુધી જ્ઞાનગુણ વિપરિણામને પામે જ છે. પોતે આત્મા જ્ઞાનસ્વરૂપ ચિદાનંદ ભગવાન પરમાત્મા છે એવા ભાનપૂર્વક શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો જ્ઞાનીને અનુભવ થયો છે પણ અંતરધ્યાનમાં-આત્માના અનુભવની દશામાં તો તે અંતર્મુહૂર્ત જ રહી શકે છે, તેથી વિશેષ રહી શકતો નથી; અને ત્યારે તેને