૨૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ક્રમ (પુરુષાર્થની નબળાઈનો કાળ) એવો છે અને તે સમયે રાગનો પણ એવો જ ક્રમ છે તો નિમિત્તની બળજોરી કહી છે. નિમિત્ત છે ખરું, પરંતુ નિમિત્તથી પરમાં કાંઈ થાય છે વા નિમિત્ત બળથી (બળપૂર્વક) પરનું પરિણમન કરાવે છે એમ નથી.
‘જ્ઞાનીને જે રાગાદિ પરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે; સવિકલ્પ દશામાં થતા રાગાદિ પરિણામો જ્ઞાનીની જાણમાં છે તોપણ અબુદ્ધિપૂર્વક છે કારણ કે ઇચ્છા વિના થાય છે. જ્ઞાનીને રાગની રુચિ નથી, રાગ ઠીક છે એમ નથી છતાં રાગ થાય છે તેને અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવામાં આવે છે.
રાજમલ્લજીએ આ કળશની ટીકા કરતાં ‘બુદ્ધિપૂર્વક’ અને અબુદ્ધિપૂર્વક’નો આ પ્રમાણે અર્થ લીધો છેઃ-જે રાગાદિ પરિણામ મનદ્વારા, બાહ્ય વિષયોને અવલંબીને, પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે તેમ જ બીજાને પણ અનુમાનથી જણાય છે તે પરિણામો બુદ્ધિપૂર્વક છે. દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ જે રાગ આવે છે તે મનદ્વારા પોતાને ખ્યાલમાં આવે છે. સ્વરૂપના જ્ઞાન સાથે આ રાગનું પણ જ્ઞાન થઈ આવે છે અને બીજાને પણ આ ભક્તિ આદિનો રાગ છે એમ અનુમાનથી જણાય છે તેથી તે પરિણામો બુદ્ધિપૂર્વક છે.
અને જે રાગાદિ પરિણામ ઇન્દ્રિય-મનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક છે. ખરેખર તો જ્યાં અબુદ્ધિપૂર્વકનો રાગ છે ત્યાં પણ મનનું જોડાણ તો છે પરંતુ સ્થૂળપણે જોડાણ નથી એમ અહીં લેવું છે. કર્મના ઉદયમાં જોડાણ છે ત્યાં મન તો છે પણ સૂક્ષ્મ છે તે અપેક્ષાએ મન નથી એમ કહ્યું છે.
જ્ઞાનીને જાણવામાં આવે એવો (બુદ્ધિપૂર્વક) રાગ થાય છે છતાં તેને રાગથી નિરંતર ભેદજ્ઞાન વર્તે છે. મારી ચીજ તો રાગથી ભિન્ન છે અને હું તો શુદ્ધ ચૈતન્યમય આનંદરસકંદ ભગવાન આત્મા છું એવું ભાન તેને નિરંતર વર્તે છે. સમકિતી નારકી હો કે તિર્યંચ હો-દરેકને આવું ભાન નિરંતર હોય છે.
પરવસ્તુ મારી છે, રાગ મારો છે-એવી માન્યતા જેને છે તેને તો રાગનો-ઝેરનો જ સ્વાદ આવે છે. પરંતુ રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો જેને અનુભવ છે તેને અનાકુળ આનંદનો-પરમ અમૃતનો સ્વાદ આવે છે. સમયસાર, મોક્ષ અધિકારમાં શુભભાવને પણ વિષકુંભ કહ્યો છે. હવે શુભભાવને પણ ભગવાન જ્યાં ઝેર કહે છે ત્યાં રળવું, કમાવું અને ભોગ ભોગવવા-ઇત્યાદિ અશુભભાવની તો વાત જ શું?
આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિન્હ વડે તેઓ અનુમાનથી પણ જણાય છે.