સમયસાર ગાથા-૧૭૩ થી ૧૭૬ ] [ ૩૦૧
સમયસાર ગાથા ૭૨ માં (આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન કરાવતાં) સ્પષ્ટ કહ્યું છે કે-શુભ અને અશુભ ભાવ બંને આસ્રવભાવો છે. દયા, દાન, વ્રતાદિના ભાવ આસ્રવ છે. અરે જે ભાવે તીર્થંકરગોત્રનો બંધ થાય તે શુભભાવ પણ આસ્રવ છે, અને તે આસ્રવો મલિન છે, વિપરીત સ્વભાવવાળા જડ છે અને આકુળતાને ઉત્પન્ન કરવાવાળા છે. જ્યારે બીજી બાજુ ભગવાન આત્મા અતિ નિર્મળ, ચૈતન્યમાત્રસ્વભાવપણે અને સદાય નિરાકુળ સ્વભાવપણે અનુભવમાં આવે છે. આ રીતે ભગવાન આત્મા શુભભાવથી ભિન્ન છે. આ પ્રમાણે જે શુભરાગ આત્માથી ભિન્ન છે તે નિશ્ચયનું કારણ કેમ થાય? રાગ કારણ અને નિર્મળ વીતરાગી પર્યાય કાર્ય એમ છે નહિ, રાગ કરતાં કરતાં સમ્યક્ત્વ થાય એ વાત તદ્ન મિથ્યા છે. શું લસણ ખાતાં ખાતાં કસ્તૂરીના ઓડકાર આવે? ન જ આવે. તેમ ચરણાનુયોગની લાખ ક્રિયા વ્રત, તપ આદિ કરે પરંતુ એનાથી નિશ્ચય (ધર્મ) પ્રગટ ન થાય.
વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ! લોકોને સાંભળવા મળ્યો નથી એટલે તેઓ અજૈનને જૈન માની બેઠા છે. શું થાય? જીવની યોગ્યતા ન હોય તો એને (જૈનપણું) મળે શી રીતે? હવે કહે છે-
‘સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવાસ્રવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી.’
જુઓ, પુણ્યથી ધર્મ થાય કે રાગથી (વ્યવહારથી) નિશ્ચય થાય એવી વિપરીત માન્યતા સમ્યગ્દ્રષ્ટિને હોતી નથી. જ્ઞેયને ઇષ્ટ માની રાગ થવો અને અનિષ્ટ માનીને દ્વેષ થવો તે અનંતાનુબંધી કષાય છે. એનો સમ્યગ્દ્રષ્ટિને અભાવ છે. વિપરીત માન્યતાના નાશ સહિત સમ્યગ્દ્રષ્ટિને અનંતાનુબંધી કષાયનો અભાવ થયો છે અને તેટલો તે સ્વરૂપાચરણમાં સ્થિર થયો છે તેથી તેને તે પ્રકારના ભાવાસ્રવો થતા જ નથી અને તેથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. આ ગાથામાં સમકિતીને જે અસ્થિરતાનો રાગ થાય છે તેને ગણ્યો જ નથી, કારણ કે મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ જ સંસારની જડ છે. અહો! સમ્યગ્દર્શન એ એવી અદ્ભુત ચીજ છે જે સંસારની જડ છેદી નાખે છે.
અહા! આત્મદ્રવ્ય અનંત અનંત આનંદના સ્વભાવથી ભરેલી વસ્તુ છે. એવા દ્રવ્યની દ્રષ્ટિ થતાં પર્યાયમાં આનંદનો સ્વાદ આવે છે. એકલા આનંદનો નહિ પરંતુ દ્રવ્યમાં જેટલા ગુણો છે તે દરેકનો વ્યક્ત અંશ સમ્યગ્દર્શનના કાળે પ્રગટ થાય છે. આવા સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગદ્વેષ તો છે જ નહિ તેથી તે પ્રકારનો બંધ પણ નથી. ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે