Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1761 of 4199

 

૩૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જોડાઈને આસ્રવ કરે તો નવીન બંધ થાય છે, ન કરે તો કર્મ છૂટી-ઝરી જાય છે.

સત્ની સામે આજે લોકોને બે મોટા વાંધા છે. (વિરોધ છે)-
૧. નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય અને
૨. વ્યવહારથી નિશ્ચય થાય અર્થાત્ ચરણાનુયોગનું આચરણ-વ્રત-પચકખાણ આદિ
શુભરાગથી ધર્મ થાય.

૧. પ્રવચનસાર ગાથા ૧૦૨ માં સ્પષ્ટ કહ્યું છે કે-મિથ્યાત્વ, રાગ-દ્વેષાદિ કે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર આદિ જે કોઈ પરિણામ ઉત્પન્ન થાય છે તે તેની ઉત્પત્તિનો કાળ છે, જન્મક્ષણ છે. તે પરિણામ પરથી-નિમિત્તથી ઉત્પન્ન થાય છે એમ નથી. પરદ્રવ્ય-નિમિત્તને તો આત્મા સ્પર્શતો પણ નથી. જુઓ, ઘડો જે થયો છે તે માટીથી થયો છે. બીજું નિમિત્ત (કુંભાર) હો ભલે, પરંતુ નિમિત્તથી ઘડો થયો નથી. સમયસાર ગાથા ૩૭૨ માં આચાર્ય ભગવાન કહે છે કે- કુંભાર ઘડાને કરે છે એમ અમે દેખતા નથી; કેમકે માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે ઉપજે છે. માટીમાં ઘડો ઉત્પન્ન થવાનો કાળ હતો તો તે ઘડાની પર્યાયે ઉત્પન્ન થઈ છે, કુંભારે ઘડો કર્યો જ નથી.

વળી ત્યાં જ (ગાથા ૩૭૨ માં) આચાર્ય ભગવાને કહ્યું છે કે-‘વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમકે સર્વ દ્રવ્યોના સ્વભાવથી જ ઉત્પાદ થાય છે’ જુઓ, કર્મની એ શક્તિ નથી કે તે આત્માને વિકાર કરાવી દે. કર્મ નિમિત્ત જરૂર છે, પણ તે આત્માને વિકાર કરાવી દે એવી તેની યોગ્યતા નથી, અયોગ્યતા છે. જ્ઞાનાવરણીય કર્મને લઈને જ્ઞાન રોકાય એમ અજ્ઞાનીઓ માને છે. ત્યાં શબ્દ ‘જ્ઞાનાવરણીય’ પડયો છે ને? પણ ભાઈ! એમ નથી. જ્ઞાનાવરણીય કર્મ તો નિમિત્તમાત્ર છે. પોતાની જ્ઞાનની હીણી પરિણતિ પોતે પોતાથી કરે છે તો કર્મને નિમિત્ત કહે છે. જેમ કુંભાર ઘડાનો ઉત્પાદક છે નહિ તેમ કર્મ જીવમાં વિકારનો ઉત્પાદક છે નહિ.

૨. વ્યવહારથી નિશ્ચય થાય એમ કેટલાક લોકો માને છે. આ વ્રત, તપ, ભક્તિ, જાત્રા આદિ કરે તો જાણે ધર્મ થઈ ગયો એમ અજ્ઞાનીઓ માને છે. ભાઈ! એ સર્વ ભાવો પર લક્ષે થતા હોવાથી શુભભાવ છે, પણ એમાં ધર્મ કયાંથી આવ્યો? અશુભથી બચવા ધર્મીને પણ તે આવે છે પણ તે ધર્મ નથી. ધર્મ તો ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ જે ધ્રુવ પરમાત્મદ્રવ્ય તેના આશ્રયે થાય છે. સમ્યગ્દર્શન એ ધર્મનું પહેલું પગથિયું છે. સમ્યગ્દર્શન અર્થાત્ આત્માનુભવમંડિત આત્મશ્રદ્ધાન વિના ધર્મ કેવો? સમ્યગ્દર્શન વિનાના ક્રિયાકાંડ તો એકડા વિનાના મીંડાં અથવા વર વિનાની જાન જેવા છે.