વ્યવહાર હોય છે એવો સ્યાદ્વાદમતમાં ગુરુઓનો ઉપદેશ છે. વ્યવહારને કથંચિત્ અસત્યાર્થ કહ્યો પણ તે માર્ગમાં આવ્યા વિના રહેતો નથી; તેમ વ્યવહારથી નિશ્ચય થાય એમ પણ નથી. આવો ગુરુઓનો ઉપદેશ છે તે યથાર્થ અવધારવો.
હવે એ અર્થનું (ચોથા) કળશરૂપ કાવ્ય ટીકાકાર કહે છેઃ
‘उभयनयविरोधध्वंसिनि’- નિશ્ચય અને વ્યવહાર એ બે નયને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. નિશ્ચયનયનો વિષય અભેદ છે, વ્યવહારનયનો વિષય ભેદ છે. બે વિરુદ્ધ થયા ને? નિશ્ચયનય પૂર્ણાનંદસ્વરૂપ એક અખંડ અભેદ આત્માને વિષય બનાવે છે, અને વ્યવહારનય વર્તમાન પર્યાય, રાગ આદિ ભેદને વિષય બનાવે છે. આમ બન્નેના વિષયમાં ફેર છે. નિશ્ચયનો વિષય દ્રવ્ય છે, વ્યવહારનો વિષય પર્યાય છે. એટલે બે નયોને પરસ્પર વિરોધ છે. આ નયોના વિરોધને નાશ કરનાર ‘स्यात्पदांके’ -એટલે સ્યાત્પદથી ચિહ્નિત જિનવચન છે. ‘સ્યાત્’ એટલે કથંચિત્ અર્થાત્ કોઈ એક અપેક્ષાએ. જિનવચનમાં પ્રયોજનવશ દ્રવ્યાર્થિકનયને મુખ્ય કરીને એને નિશ્ચય કહે છે. અને પર્યાયાર્થિક વા અશુદ્ધદ્રવ્યાર્થિકનયને ગૌણ કરીને વ્યવહાર કહે છે. પર્યાય જે અશુદ્ધતા છે તે દ્રવ્યની જ અશુદ્ધતા છે તેથી પર્યાયાર્થિકનયને અશુદ્ધદ્રવ્યાર્થિક કહ્યો છે. જુઓ, ત્રિકાળ, ધ્રુવ અખંડ એક જ્ઞાયકભાવને મુખ્ય કરી નિશ્ચય કહીને સત્યાર્થ કહે છે અને પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહી અસત્યાર્થ કહે છે. આમ, જિનવચન સ્યાત્પદ વડે બન્ને નયોના વિરોધ મટાડે છે.
કળશટીકાકારે અર્થ કર્યો છે કે - જિનવાણીમાં -દિવ્યધ્વનિમાં ત્રિકાળ શુદ્ધ જીવવસ્તુ ચૈતન્યમૂર્તિ ઉપાદેય કહી છે. એમાં સ્યાત્પદ આવી જાય છે. આવા સ્યાદ્વાદમુદ્રિત જિનવચનમાં જે પુરુષો રમે છેઃ ‘जिनवचसि रमन्ते ये’ અહીં જિનવચનમાં રમવું એનો અર્થ એમ છે કે જિનવાણીમાં જે શુદ્ધ જીવવસ્તુ જ્ઞાયકભાવ ઉપાદેય કહ્યો છે તેમાં સાવધાનપણે એકાગ્ર થવું, તે જ્ઞાયકભાવનું પ્રત્યક્ષ વેદન કરવું. જીવને રાગનું અને વિકારનું વેદન તો અનાદિથી છે અને તે વડે એ દુઃખી છે. હવે એ દુઃખથી છોડાવવા વિકારની -રાગની પર્યાયને ગૌણકરી એટલે એના પરથી લક્ષ હઠાવી લઈ ભગવાન આત્મા સચ્ચિદાનંદ, એક, અખંડ, જે જ્ઞાયકભાવ તેમાં દ્રષ્ટિ કરી, તેનો પ્રત્યક્ષ અનુભવ કરવો, તેમાં એકાગ્રતા અને સ્થિરતા કરવી. આ જ સુખનો માર્ગ છે. એટલે જે પુરુષો જિનવચનમાં રમે છે અર્થાત્ શુદ્ધ એક જ્ઞાયકભાવને ઉપાદેય કરી પ્રચુર પ્રીતિ સહિત તેમાં એકાગ્રતાનો વારંવાર અભ્યાસ કરે છે, ‘ते स्वयं वांतमोहः’ અહાહા! તે પુરુષો પોતાની મેળે, અન્ય કારણ વિના મિથ્યાત્વકર્મનું વમન કરે છે. તેમને મિથ્યાત્વભાવ રહેતો નથી, ઊડી જાય છે.