શું ભાષા વાપરી છે! ‘वान्तमोहाः’ એટલે મિથ્યાત્વનું વમન થઈ જાય છે એટલે હવે તે ફરીને આવશે નહી. આવો જ ભાવ ગાથા ૩૮ની ટીકાના અંતમાં આવે છે. કે -‘નિજ રસથી જ મોહને ઉખાડીને, ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે.’ પ્રવચનસારની ગાથા ૯૨ ની ટીકામાં પણ કહ્યું છે કે- ‘અને તે (બહિર્મોહદ્રષ્ટિ) તો આગમકૌશલ્ય તથા આત્મજ્ઞાન વડે હણાઈ ગઈ હોવાથી હવે મને ફરીથી ઉત્પન્ન થવાની નથી.’ એટલે કે આત્માના અંતર અભ્યાસ વડે જે મિથ્યાત્વનો નાશ થયો છે તે ફરીથી થવાનો નથી.
નિયમસારમાં આવે છે કે બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જિનવાણીમાં પદ્ધતિ છે. તેમાં સ્યાદ્વાદ સમજીને જે નિશ્ચયમાં રમે છે એટલે કે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવની દ્રષ્ટિ કરી તેમાં રમણતા કરે છે તે મિથ્યાત્વનું વમન કરીને ‘उच्चैः परम ज्योतिः समयसारं’ આ અતિશયરૂપ પરમજ્યોતિ પ્રકાશમાન સમયસાર એટલે શુદ્ધાત્માને‘सपदि ईक्षन्ते एव’ તરત દેખે જ છે, એટલે તેનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
જેમાં એકાગ્ર થતાં પ્રત્યક્ષપણે વેદાય છે-જણાય છે એ શુદ્ધાત્મા કેવો છે? અનાદિ વસ્તુ છે, નવી નથી. પર્યાયમાં તો વેદન થતાં ભાન થયું પણ વસ્તુ તો અનાદિની છે. ‘अनवम्’ એટલે (જ્ઞાયકભાવ) નવો ઉત્પન્ન થયો નથી, અનાદિ છે. પહેલાં કર્મથી આચ્છાદિત હતો એટલે કે પર્યાયબુદ્ધિથી રાગાદિની રુચિની આડમાં જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો હતો એ પ્રગટ વ્યક્તરૂપ થઈ ગયોે. શક્તિરૂપે-સ્વભાવરૂપે તો હતો જ, પણ પર્યાય અને રાગાદિના પ્રેમમાં એ જણાતો ન હતો તે શુદ્ધ ચૈતન્યઘન સ્વભાવની રુચિ અને એકાગ્રતા થતાં વ્યક્તરૂપ પ્રગટ થઈ ગયો, જ્ઞાનમાં જણાઈ ગયો. વળી કેવો છે? ‘अनय–पक्षअक्षुण्णम’ એટલે સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી. વેદાંતાદિ કહે છે કે દ્રવ્ય એકાંત કૂટસ્થ છે, પરિણમનશીલ નથી. તો કેટલાક એકલી પર્યાયને જ માને છે. એટલે જે એમ માને છે કે એકાંત દ્રવ્ય જ છે, પર્યાય નથી તથા પર્યાય છે, દ્રવ્ય નથી તે બધા કુનયને માનનારા છે. તેમના કુનયોથી વસ્તુ ખંડિત થતી નથી, તે તો જેવી છે તેવી અક્ષુણ્ણ રહે છે. કોઈ આત્માને સર્વવ્યાપી કહે, કોઈ શરીરવ્યાપી કહે, ઈત્યાદિ એકાંત કુનયો છે. પરંતુ તે સઘળા કુનયોથી તે ખંડિત થતો નથી, એ તો નિર્બાધ છે.
જિનવચન એટલે વીતરાગદેવની વાણી સ્યાદ્વાદરૂપ છે. સ્યાત્ કહેતાં કોઈ એક અપેક્ષાએ, વાદ કહેતાં કથન, જિનવચન જે અપેક્ષાએ હોય તે અપેક્ષા બરાબર સમજવી