જોઈએ. હવે બે નયોમાં પરસ્પર વિષયનો વિરોધ છે. નિશ્ચયથી વ્યવહારને વિરોધ છે અને વ્યવહારથી નિશ્ચયને. તેથી બન્ને નય આદરણીય કેમ થઈ શકે? જેમકે દ્રવ્ય સત્ એ અસત્રૂપ ન હોય એમ લોકોને લાગે છે, પણ એમ નથી. સ્યાદ્વાદ તેનું સમાધાન કરી નાખે છે કે જે સ્વથી સત્ છે તે પરથી અસત્ છે. દ્રવ્યથી સત્ છે, પર્યાયથી અસત્ છે. વળી એક હોય તે અનેક કેમ હોય? તો કહે છે હોય. વસ્તુ તરીકે એક છે, પર્યાય તરીકે, ગુણભેદ તરીકે અનંત છે. નિત્ય હોય તે અનિત્ય કેમ હોય? તો કહે છે વસ્તુ કાયમ ટકનારી છે તે અપેક્ષાએ નિત્ય છે, અને બદલતી પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તેમ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ અભેદ છે, અને પર્યાય અને રાગની અપેક્ષાએ ભેદ છે. તથા શુદ્ધ હોય તે અશુદ્ધ કેમ હોય? તો ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ શુદ્ધ છે, પર્યાયની અપેક્ષાએ અશુદ્ધ છે. આ સ્યાદ્વાદ છે. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્ય શુદ્ધ છે તો પર્યાયમાં અશુદ્ધતા આવી કયાંથી? સમાધાન એમ છે કે પર્યાયમાં અશુદ્ધતાનો ધર્મ છે, એવી યોગ્યતા છે. અશુદ્ધતા કર્મને લઈને આવી નથી, અશુદ્ધતા પર્યાયનો ધર્મ છે.
ઈત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે, જેમ સત્ હોય તે અસત્ ન હોય, એકમાં અનેક ન હોય, ઈત્યાદિ ત્યાં ભગવાન સર્વજ્ઞદેવની વાણી કથંચિત્ વિવક્ષાથી એટલે કોઈ અપેક્ષાએ કહેવાની શૈલીથી કથન કરીને બે નયો સિદ્ધ કરે છે તથા વસ્તુ સત્-અસત્રૂપ, એક-અનેકરૂપ, નિત્ય-અનિત્યરૂપ, ભેદ-અભેદરૂપ, શુદ્ધ-અશુદ્ધરૂપ જે રીતે વિદ્યમાન-હયાત છે તે રીતે કહીને વિરોધ મટાડી દે છે આમ જિનવચન સ્યાદ્વાદ વડે વસ્તુને જેમ છે તેમ સિદ્ધ કરે છે, જૂઠી કલ્પના કરતું નથી. વસ્તુમાં જે હોય એની વાત કરે છે, જે નથી એની વાત કરતું નથી. પહેલાં (અજ્ઞાન દશામાં) એમ નિર્ણય હતો કે હું રાગાદિસ્વરૂપજ (અશુદ્ધ) છું. પછી સ્વભાવનું ભાન થતાં એમ નિર્ણય થયો કે ‘હું શુદ્ધ છું’. એ પર્યાયમાં ‘શુદ્ધ’ નો અનુભવ થાય છે, નિર્ણય થાય છે. આમ સ્યાદ્વાદ વસ્તુ જે રીતે શુદ્ધ અશુદ્ધ આદિ છે તે રીતે અવિરોધપણે સાધે છે.
હવે આત્માને સમ્યગ્દર્શન થાય એ પ્રયોજન છે. આ પ્રયોજન સાધવા માટે શુદ્ધ દ્રવ્યાર્થિકનયને એટલે શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકભાવને મુખ્ય કરીને નિશ્ચય કહે છે. તથા અશુદ્ધ દ્રવ્યાર્થિકરૂપે પર્યાયાર્થિકનયને ગૌણ કરીને વ્યવહાર કહે છે. દ્રવ્ય પર્યાયમાં અશુદ્ધપણે પરિણમેલું છે તેથી અશુદ્ધદ્રવ્ય કહ્યું છે. એટલે પ્રમાણનું જે દ્રવ્ય છે તે અશુદ્ધ છે. તે અશુદ્ધ દ્રવ્યાર્થિકનયનો એટલે પર્યાયાર્થિક નયનો વિષય છે. તેને ગૌણ કરી વ્યવહાર કહે છે. (નિશ્ચયની દ્રષ્ટિમાં) વ્યવહારનું સ્વરૂપ જ અભાવરૂપ છે, અને નિશ્ચયનું સ્વરૂપ ભાવ છે. એટલે અશુદ્ધદ્રવ્યાર્થિકનયને ગૌણ કરી, પેટામાં રાખી વ્યવહાર કહ્યો છે. હવે વ્યવહાર ઉપરથી દ્રષ્ટિ હઠાવી લઈ, જે પુરુષ પોતાની દ્રષ્ટિ, જિનવાણીમાં