ઉપાદેય કહી છે જે શુદ્ધ જીવવસ્તુ ત્રિકાળી જ્ઞાયકભાવ તેમાં સ્થાપીને અભ્યાસ કરી રમે છે (એટલે તેમાં એકાગ્ર થઈ ક્રિડા કરે છે) તે શુદ્ધ આત્માને યથાર્થ પામે છે. તેને શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. વસ્તુ તો શુદ્ધ છે, પણ તેની દ્રષ્ટિ કરતાં ‘શુદ્ધ છે’ એવો અનુભવ યથાર્થ થાય છે. અહો! ભારતના લોકોનાં મહાભાગ્ય છે કે કેવળીના વિરહ ભુલાવે એવું આ સમયસાર શાસ્ત્ર રચાઈ ગયું છે.
વીતરાગનો માર્ગ કોઈ અલૌકિક છે, ભાઈ! એના યથાર્થ જ્ઞાન વિના શ્રદ્ધા થાય નહીં. અને યથાર્થ શ્રદ્ધા વિના સમ્યગ્દર્શનાદિ અનુભવ થાય નહી. લોકો બહારથી હો-હા કરે, પ્રભાવના કરે અને એમાં ધર્મ માને પણ પ્રભાવના તે બહાર થતી હશે કે અંદર પર્યાયમાં? પ્રભાવના પોતાનું લક્ષ કરતાં પોતાની પર્યાયમાં થાય છે.
પુરુષ શબ્દનો અર્થ આત્મા સમજવો. રમણ શબ્દના બે અર્થ છે. રમણ કરે છે એટલે આક્રમે છે. પરમ અધ્યાત્મતરંગિણીમાં ‘रमन्ते’ એટલે ક્રીડા કરે છે, વસ્તુમાં એકાગ્ર થઈને ક્રીડા કરે છે એમ લીધું છે. જ્ઞાની બહાર ક્રીડા કરવા જતા નથી.
આમ તો આત્મા, આત્મા કહેનારા ઘણા છે. વેદાંતાદિવાળા બહુ કહે છે કે અમને આત્માનો અનુભવ છે, સાક્ષાત્કાર છે. પણ એ બધી ઠેકાણા વગરની વાતો છે. જિનવચનમાં વસ્તુને મુખ્ય-ગૌણ કરીને સિદ્ધ કરી છે. વસ્તુ વિદ્યમાન છે, તેમાં, જિનવાણીમાં કહેલાં ત્રિકાળ સ્વભાવમાં દ્રષ્ટિ કરતાં જે શુદ્ધ છે તે (યથાર્થપણે) શુદ્ધને પામે છે. પરંતુ સર્વથા એકાંત કહેનારા સાંખ્ય, બૌદ્ધ, વેદાંતાદિ વસ્તુની સ્થિતિને નહીં જાણનાર આત્માને પ્રાપ્ત કરતા નથી, એટલે કે તેમને શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી. કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી. વેદાંત એક જ ધર્મને ગ્રહણ કરી સર્વથા નિત્ય છે એમ કહે છે, ને બૌદ્ધ અનેક કહે છે. એમ વસ્તુની અસત્ય કલ્પના કરે છે, તેથી અસત્યાર્થ છે, બાધા સહિત મિથ્યા દ્રષ્ટિ છે. પરંતુ વસ્તુ જેવી છે તેવી મર્યાદા જાણનારી દ્રષ્ટિ જ સમ્યક્ છે.
આ રીતે બાર ગાથાઓમાં પીઠિકા (ભૂમિકા) કહી.
હવે આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી, શુદ્ધનયને મુખ્ય કરી નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધનયની (વ્યવહારનયની) પ્રધાનતામાં જીવાદિ તત્ત્વોના ભેદવાળી શ્રદ્ધાને સમ્યક્ત્વ કહ્યું છે. અહીં જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમકિત થાય છે એમ કહે છે.
હવે ૧૩ મી ગાથાની શરૂઆત કરતા પહેલાં એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે ત્યાં પહેલા શ્લોકમાં એમ કહેશે કે -વ્યવહારનયને કથંચિત્ પ્રયોજનવાન કહ્યો- એટલે