સમયસાર ગાથા-૧૭૭-૧૭૮ ] [ ૩૨૩
હવે કહે છે-‘આ રીતે સમ્યગ્દ્રષ્ટિને ભાવાસ્રવનો અર્થાત્ રાગદ્વેષમોહનો અભાવ છે. દ્રવ્યાસ્રવોને બંધના હેતુ થવામાં હેતુભૂત એવા રાગદ્વેષમોહનો સમ્યગ્દ્રષ્ટિને અભાવ હોવાથી દ્રવ્યાસ્રવો બંધના હેતુ થતા નથી, અને દ્રવ્યાસ્રવો બંધના હેતુ નહિ થતા હોવાથી સમ્યગ્દ્રષ્ટિને- જ્ઞાનીને બંધ થતો નથી.’
અહાહા...! પોતાનો ભગવાન અતીન્દ્રિય આનંદના સ્વભાવથી સર્વાંગ છલોછલ ભરેલો સચ્ચિદાનંદ પ્રભુ છે. એની જેને દ્રષ્ટિ થઈ, વલણ થયું તે સમ્યગ્દ્રષ્ટિ છે. અહા! સમ્યગ્દર્શન થતાં તેને જેની (શુદ્ધ ચૈતન્યતત્ત્વની) કિંમત કરવી હતી તેની કિંમત (-દ્રષ્ટિ) થઈ ગઈ અને જેની (-રાગની) કિંમત નહોતી તેની કિંમત (-રુચિ) ગઈ, પછી ભલે થોડો અસ્થિરતાનો રાગ હો, એની કાંઈ કિંમત (-વિસાત) નથી. આ અપેક્ષાએ સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ છે. અને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી દ્રવ્યાસ્રવો એટલે પૂર્વે બંધાયેલાં જડકર્મો તેને બંધનું કારણ થતાં નથી. તેથી સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાનીને બંધ થતો નથી.
અહો! સમયસારની એકે-એક ગાથા ચૈતન્ય-ચમત્કારથી ભરેલી છે. આત્મા પોતે ચૈતન્ય-ચમત્કાર વસ્તુ છે. અહા! એ અનુપમ અલૌકિક ચિંતામણિ રત્ન છે. જ્યાં અંદર નજર કરી કે અતીન્દ્રિય આનંદમય ચૈતન્યરત્ન સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પરંતુ અરે! અજ્ઞાનીએ અનંતકાળમાં જ્યાં નજર કરવાની હતી તેના ઉપર નજર ન કરી અને ધર્મના નામે પુણ્ય અને પરદ્રવ્ય ઉપર જ નજર કરી! પરિણામે એનો સંસાર મટયો નહિ. અહીં કહે છે-જ્ઞાનીને પુણ્યભાવ હોવા છતાં એની દ્રષ્ટિ ચૈતન્ય-ચિંતામણિ ભગવાન આત્મા ઉપર છે. આઠ વર્ષની બાલિકા સમ્યગ્દર્શન પામે ત્યારે એની દ્રષ્ટિ વિજ્ઞાનઘન એવા નિજ ચૈતન્યતત્ત્વમાં નિમગ્ન હોય છે; નિમિત્ત, રાગ કે પર્યાય ઉપર એની દ્રષ્ટિ હોતી નથી અને તેથી તેને નવીન બંધ થતો નથી.
દ્રષ્ટિ દ્રવ્યમાં નિમગ્ન થાય છે એનો અર્થ પર્યાય દ્રવ્યમાં ભળી જાય છે એમ નથી. પૂર્વના જે પરિણામ રાગમાં એકાકાર હતા તેનો વ્યય થઈ વર્તમાન પરિણામ નિજ જ્ઞાયકભાવ તરફ ઢળ્યા ત્યાં એ પરિણામ દ્રવ્યમાં લીન-નિમગ્ન થયા એમ કહેવામાં આવે છે. (પ્રગટ) પર્યાયમાં પૂર્ણ દ્રવ્યનું જ્ઞાન તથા પ્રતીતિ આવે પણ એ પર્યાય દ્રવ્યમાં ભળી જાય એમ અર્થ નથી.
હવે આગળ કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે.’ ચોથે ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે, પછી ભલે તે નરકનો નારકી હોય, તિર્યંચ હોય, મનુષ્ય હોય કે દેવનો જીવ હોય. અનંત અનંત ચૈતન્યના પ્રકાશનું પૂર પ્રભુ આત્મા છે તેને જેણે સ્વાનુભવમાં જાણ્યો તે જ્ઞાની છે, પછી ભલે તેને શાસ્ત્રનું વિશેષ જાણપણું ન હોય. પુણ્ય અને પુણ્યના ફળથી અધિક-જુદો ચૈતન્યમય ભગવાન અંતરમાં જેવો છે તેવો જેણે જુદો જાણ્યો તે જ્ઞાની છે.