Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1785 of 4199

 

૩૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

હવે તેનો વિશેષ ખુલાસો કરે છે-‘જ્ઞાની’ શબ્દ મુખ્યપણે ત્રણ અપેક્ષાએ વપરાય છેઃ- (૧) પ્રથમ તો, જેને જ્ઞાન હોય તેને જ્ઞાની કહેવાય; આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે. બધા આત્મા જ્ઞાનસ્વરૂપ જ છે તે અપેક્ષાએ બધા આત્મા જ્ઞાની કહેવાય. અહીં સમ્યક્ત્વ-મિથ્યાત્વની અપેક્ષાએ નથી.

(૨) સમ્યક્જ્ઞાન અને મિથ્યાજ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો સમ્યગ્દ્રષ્ટિને સમ્યગ્જ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. અહા! અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન હોવા છતાં જેને જ્ઞાનસ્વરૂપ નિજ ભગવાન આત્માનું ભાન (-જ્ઞાન) નથી અને રાગની રુચિ અને અધિકતા છે તે બધા મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. અગિયાર અંગ પૈકી પહેલા અંગમાં અઢાર હજાર પદ હોય છે અને એક એક પદમાં એકાવન કરોડ જાજેરા શ્લોક હોય છે. બીજામાં એથી બમણા, ત્રીજામાં એથી બમણા; એમ બમણા બમણા કરતાં જે પદ થાય તે અગિયાર અંગનું જ્ઞાન અને નવ પૂર્વની લબ્ધિ જે ભણવાથી ન પ્રગટે પણ રાગની અતિ મંદતાને લઈને અંદરથી એવી લબ્ધિ પ્રગટે-એટલું બધું જ્ઞાન હોવા છતાં શુદ્ધ ચૈતન્યના ભાન વિના તે અજ્ઞાની છે. જાણનારને જાણે તે જ્ઞાની છે અને જાણનારને ન જાણે તે અજ્ઞાની છે. આવો વીતરાગનો માર્ગ છે. શું થાય? અનંતકાળમાં જાણનારને જાણ્યો નહિ અને બીજી માથાફૂટ કરી-શાસ્ત્રો ભણ્યો, જગતને ઉપદેશ પણ આપ્યો. પણ જાણનારને જાણ્યા વિના, દેખનારને દેખ્યા વિના અને આનંદના માણનારને માણ્યા વિના બધા જીવો મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે.

(૩) સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો કેવળી ભગવાન જ્ઞાની છે, અને છદ્મસ્થ અજ્ઞાની છે કારણ કે સિદ્ધાંતમાં પાંચ ભાવોનું કથન કરતાં બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે.

અલ્પજ્ઞાનની અપેક્ષાએ બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાન ગણવામાં આવ્યું છે. મિથ્યાત્વનું અજ્ઞાન જુદું અને જ્ઞાનની કમીરૂપ અજ્ઞાન જુદું. બારમે ગુણસ્થાને મોહનો બિલકુલ નાશ અને પૂર્ણ અકષાયભાવ હોવા છતાં કેવલજ્ઞાનીને જેવી જ્ઞાનની પૂર્ણતા છે તેવી નથી તે અપેક્ષાએ તેને અજ્ઞાની કહેવામાં આવે છે.

એક બાજુ શાસ્ત્રમાં સમ્યગ્દ્રષ્ટિને માત્ર આત્માનું જ્ઞાન હોય છતાં જ્ઞાની કહે અને મિથ્યાદ્રષ્ટિને અગિયાર અંગ અને નવપૂર્વની લબ્ધિ પ્રગટ હોય છતાં અજ્ઞાની કહે; બીજી બાજુ પૂર્ણજ્ઞાન પર્યાયમાં પ્રગટયું છે એવા કેવળજ્ઞાનીને જ્ઞાની કહે અને જ્ઞાનની અપૂર્ણતાની અપેક્ષાએ બારમે ગુણસ્થાને પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ ગઈ હોવા છતાં તેને અજ્ઞાની કહે; આ બધી વિવક્ષાની વિચિત્રતા છે તે યથાર્થ સમજવી જોઈએ. આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડે વિધિનિષેધ નિર્બાધપણે સિદ્ધ થાય છે; સર્વથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી.