સમયસાર ગાથા-૧૭૭-૧૭૮ ] [ ૩૨૯ શુદ્ધનય કહ્યો છે. અહીં તેનું જે નિર્મળ જ્ઞાનમય પરિણમન થયું તેને શુદ્ધનય કહ્યો કેમકે પરિણમન થયું ત્યારે જાણ્યું કે પોતાની ચીજ (આત્મા) આ છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ જેમને બહારમાં માત્ર પીંછી-કમંડળ અને અંતરમાં પ્રચુર અતીન્દ્રિય આનંદની મસ્તી વર્તતી હતી તેઓ જગતને મોટા અવાજે જાહેર કરે છે કે-આત્મા એક શુદ્ધવિજ્ઞાનઘન છે જેમાં શરીર ને કર્મ તો શું દયા, દાનના વિકલ્પ પણ અંદર પ્રવેશ પામી શકતા નથી. એ તો સદાય ચૈતન્યરૂપ વીતરાગસ્વરૂપ છે. એનું વીતરાગતારૂપ પરિણમન થવું તે શુદ્ધનય છે અને તે મોક્ષમાર્ગ છે. સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણમનને શુદ્ધનયનું પરિણમન કહે છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનાં જાણપણાં કે પંચમહાવ્રતના વિકલ્પ ઇત્યાદિરૂપ જે વ્યવહારરત્નત્રય એ કાંઈ શુદ્ધનય નથી, મોક્ષમાર્ગ નથી; એ તો રાગ છે. રાગ આવે છે, રાગ હોય ખરો, પણ રાગમાં એકાગ્ર થઈ પરિણમવું એ તો મહાદોષ છે, વિપરીતતા છે. અહીં તો ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’ એવો જે નિજ શુદ્ધ ચૈતન્ય ભગવાન તેમાં એકાગ્ર થઈ પરિણમવું તે શુદ્ધનય છે. શુદ્ધનય વીતરાગી પર્યાય છે જેમાં શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ થાય છે.
‘આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય તે શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ છે.’ સમ્યગ્દર્શનમાં પ્રથમ આનંદનો સ્વાદ આવ્યો પછી અંતરમાં દ્રષ્ટિના બળે ઝુકતાં જેટલી સ્થિરતા વધે તેટલા પ્રમાણમાં આનંદ અને શુદ્ધિ વધતાં જાય છે તેને એકાગ્રતાનો અભ્યાસ કહે છે. આવો અંતર-એકાગ્રતાનો અભ્યાસ નિરંતર કરવાનું કહ્યું છે. વ્રતાદિના વિકલ્પનો અભ્યાસ કરવો એમ નહિ પણ અંતર-એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. હવે કહે છે-
શુદ્ધનય જ્ઞાનનો અંશ છે અને શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધ નય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે.’ જેને આત્માનો અનુભવ થાય છે, સમ્યગ્દર્શન થાય છે એની પર્યાયમાં ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. તે ભાવશ્રુતજ્ઞાનનો શુદ્ધનય એક અંશ છે. અહીં દ્રવ્યશ્રુત જે શબ્દ-વાણી તેની વાત નથી કેમકે એ તો પર છે. અહીં તો શુદ્ધનય ભાવશ્રુતજ્ઞાનનો એક અંશ છે એમ વાત છે. એ શુદ્ધનય દ્વારા આત્મા પ્રત્યક્ષ જણાતો નથી. પ્રત્યક્ષ તો કેવળજ્ઞાન પ્રગટતાં જણાય છે. છતાં અનુભવના કાળમાં આનંદના વેદનને આત્મા પ્રત્યક્ષ વેદે છે. હું આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છું એવી દ્રષ્ટિ થતાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદ પ્રત્યક્ષ વેદનમાં આવે છે તેને તેથી સ્વાનુભવ પ્રત્યક્ષ પણ કહે છે અને તેને ભાવશ્રુતજ્ઞાન અને જૈનશાસન કહે છે; (જુઓ સમયસાર ગાથા ૧પ). વચ્ચે જે રાગ આવે તે કાંઈ જૈનશાસન નથી.
શું થાય? અત્યારે તો આ ઉપદેશ અને પ્રરૂપણા જ ચાલતી નથી. અંદર ચિદાનંદમય ભગવાન આત્માના લક્ષે જે આનંદનું વેદન-અનુભૂતિ થાય તે સમ્યગ્દર્શન