૩૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ છે અને તે સૌ પ્રથમ ધર્મ છે. વિના સમ્યગ્દર્શન જ્ઞાન કે ચારિત્ર સમ્યક્ હોતાં નથી. વિના સમ્યગ્દર્શન આચરવામાં આવતાં વ્રત ને તપ ઇત્યાદિ સર્વ એકાન્ત અજ્ઞાનમય ભાવ છે, સંસાર છે અને બંધનું કારણ છે.
‘વળી તે અનુભવ એકદેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે.’ જુઓ, અનંતગુણનો પિંડ અસંખ્યપ્રદેશી આત્મા પ્રત્યક્ષ તો કેવળજ્ઞાન થતાં દેખાય છે પણ નીચે સમ્યગ્દર્શનમાં પરોક્ષ શ્રુતજ્ઞાનની અપેક્ષાએ તથા શ્રુતજ્ઞાનનો પેટાભેદ જે શુદ્ધનય તેની અપેક્ષાએ આત્માનું પૂર્ણ સ્વરૂપ પરોક્ષપણે પ્રતીતિમાં આવે છે તેથી તેને વ્યવહારે પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. છતાં વેદનની અપેક્ષાએ ચોથે ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિ નિર્વિકલ્પ આનંદનું વેદન પ્રત્યક્ષ પોતાથી વેદે છે. અનુભવ પરિપૂર્ણ નહિ પણ એકદેશ શુદ્ધ હોવાથી તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહે છે.
‘સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે.’ મતલબ કે પૂર્ણ પવિત્રતાનું પરિણમન કેવળજ્ઞાન થતાં થાય છે. ખરેખર તો કેવળજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે અને શુદ્ધનય તો પરોક્ષ શ્રુતજ્ઞાનપ્રમાણનો અંશ છે. પણ કેવળજ્ઞાન થતાં શુદ્ધનયનું પૂર્ણ પરિણમન થઈ ગયું એ અપેક્ષાએ સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે એમ કહ્યું છે. પર્યાયમાં જ્યારે ત્રિકાળી વસ્તુ એટલે કે અનંતગુણ અને અસંખ્યાત પ્રદેશ સહિત શુદ્ધ ચૈતન્યવસ્તુ પ્રત્યક્ષ થઈ ત્યારે શુદ્ધનય સાક્ષાત્ પૂર્ણ થયો અર્થાત્ શુદ્ધનયનું ફળ પ્રગટ થયું તેથી કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થયો એમ કહ્યું છે. અહાહા...! વસ્તુ પોતાની અપેક્ષાએ પોતાથી તો વ્યક્ત-પ્રગટ-પ્રત્યક્ષ જ છે પણ પર્યાયમાં પ્રત્યક્ષ ભાસી ત્યારે શુદ્ધનય પૂર્ણ થયો એમ વાત છે.
હવે આવો ઉપદેશ, લ્યો; કોઈને વળી થાય કે આ તે કેવો ઉપદેશ! ભક્તિ કરવી, વ્રત પાળવાં, તપ કરવું, ઉપવાસાદિક કરવા -એવો ઉપદેશ હોય તો સમજમાં પણ આવે. પણ બાપુ! એ તો બધા રાગના પ્રકાર છે; ધર્મીને પણ અશુભથી બચવા શુભરાગ આવે છે પણ એ કાંઈ ધર્મ નથી, જૈનશાસન નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ વા શુદ્ધનય દ્વારા અંતર- એકાગ્રતાનો અભ્યાસ થાય એ જ ધર્મ છે. સમજાણું કાંઈ...! ભાઈ! આ સમજ્યા વિના જ એણે ચોરાસી લાખ યોનિમાં-પ્રત્યેક યોનિમાં અનંત અનંતવાર અવતાર ધારણ કર્યા છે.
હવે કહે છે-કે જેઓ શુદ્ધનયથી ચ્યુત થાય તેઓ કર્મ બાંધે છેઃ-
‘इह’ જગતમાં ‘ये’ જેઓ ‘शुद्धनयतः प्रच्युत्य’ શુદ્ધનયથી ચ્યુત થઈને... જુઓ! શુદ્ધનયથી ચ્યુત થઈને એમ કહ્યું, જ્યારે હવે પછીની ગાથા ૧૮૦ માં