સમયસાર ગાથા-૧૭૭-૧૭૮ ] [ ૩૩૧ ‘नयपरिहीनास्तु’ -બસ એટલું જ કહેશે. એનો અર્થ એ કે શુદ્ધનયને જ ત્યાં નય કહ્યો છે. (અર્થાત્ આશ્રયયોગ્ય નય એક જ છે એમ કહે છે). ‘શુદ્ધનયથી ચ્યુત થઈને’-એના બે અર્થ- (૧) શુદ્ધ ચૈતન્યસ્વભાવનો અનુભવ એટલે કે સમ્યગ્દર્શન પ્રગટતાં અતીન્દ્રિય આનંદનો જે અનુભવ હતો એનાથી ચ્યુત થઈને મિથ્યાદ્રષ્ટિ થતાં અનંતસંસારનું કારણ એવા દર્શનમોહનીય કર્મને બાંધે છે. (૨) જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાનના ભેદને છોડી શુદ્ધોપયોગમાં રહેવું તે શુદ્ધનય; એનાથી (શુદ્ધોપયોગથી) ચ્યુત થઈને જે વિકલ્પમાં આવ્યો તે પણ (કિંચિત્) કર્મને બાંધે છે. અહીં કહે છે-
સંબંધને ‘उपयान्ति’ પામે છે ‘ते’ એવા જીવો, ‘विमुक्तबोधाः’ જેમણે જ્ઞાનને છોડયું છે એવા થયા થકા, ‘पूर्वबद्धद्रव्यास्रवैः’ પૂર્વબદ્ધ દ્રવ્યાસ્રવો વડે ‘कर्मबन्धम् विभ्रति’ કર્મબંધને ધારણ કરે છે.
અર્થાત્ સમ્યગ્દર્શન થવાથી ચોથે ગુણસ્થાને જ્ઞાનીને રાગનો સંબંધ છૂટી સ્વભાવનો સંબંધ થયો હતો-અતીન્દ્રિય આનંદના વેદનમાં આવ્યો હતો તે ત્યાંથી છૂટીને ફરીને રાગના સંબંધને પામ્યો. તે છૂટવાના બે પ્રકારઃ-
૧. શુદ્ધોપયોગમાં હતો તે ત્યાંથી છૂટી વિકલ્પમાં-રાગમાં આવ્યો છતાં સમ્યગ્દર્શન છે; કેવળ શુદ્ધ ઉપયોગથી છૂટી ગયો છે.
૨. સમ્યગ્દર્શનથી છૂટી મિથ્યાદ્રષ્ટિ થઈ ગયો.
હવે એવા જીવો જેમણે જ્ઞાનને છોડયું છે અર્થાત્ આનંદકંદ સ્વરૂપ ભગવાન આત્માને છોડી દીધો છે અને રાગની રુચિસહિત રાગને પકડયો છે તેઓ પૂર્વે બંધાયેલા દ્રવ્યાસ્રવો વડે કર્મોને બાંધે છે.
સમ્યગ્દ્રષ્ટિ ધર્મીએ વ્યવહારરત્નત્રય આદિ સમસ્ત રાગને (અભિપ્રાયથી) છોડયો છે અને સ્વભાવને ગ્રહણ કર્યો છે. તેથી દ્રવ્યાસ્રવો હોવા છતાં જ્ઞાનીને રાગનો સંબંધ નથી તેથી કર્મબંધન થતું નથી. જ્યારે સ્વરૂપને છોડીને રાગના સંબંધમાં આવે છે એવા અજ્ઞાની જીવોને પૂર્વબદ્ધ કર્મ નવા કર્મબંધનું કારણ થાય છે અર્થાત્ નવાં કર્મ બાંધે છે-‘कृत–विचित्र– विकल्पजालम्’– કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે અર્થાત્ જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે. વસ્તુ અબદ્ધસ્વભાવ કહો કે મુક્તસ્વભાવ કહો, જ્યાં તેની દ્રષ્ટિ છૂટીને રાગના સંબંધમાં આવ્યો ત્યાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય આદિ આઠ કર્મો અનેક પ્રકારે બંધાય છે. અહીં મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગની અપેક્ષાએ વાત છે. સમ્યગ્દ્રષ્ટિને તે પ્રકારનો રાગેય નથી અને બંધેય નથી.