Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1796 of 4199

 

સમયસાર ગાથા-૧૭૭-૧૭૮ ] [ ૩૩પ શુદ્ધનય થાય છે એમ કહ્યું. કેવળજ્ઞાનમાં નય કયાં છે? ત્યાં તો જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ થઈ ગયું છે. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા પર્યાયમાં પરિપૂર્ણ ખીલીને પ્રગટ થઈ ગયાં છે. કેવળજ્ઞાન થતાં તો જેવી શુદ્ધ વસ્તુ છે એવી શુદ્ધતા પ્રગટ થઈ ગઈ ત્યાં પછી નય હોતો નથી. (શુદ્ધનયનો આશ્રય હોતો નથી).

બાપુ! તું પોતાની જાતને ભૂલીને કજાતને (રાગને) સેવી રહ્યો છે. ધર્મ અસલી શું ને નકલી શું એની તને ખબર નથી. દયા, દાન, વ્રતાદિના રાગને ધર્મ માનવો એ નકલી ધર્મ છે, જ્યારે અંદર ચિદાનંદઘન પોતાનો ભગવાન છે તેનો અનુભવ કરવો તે અસલી ધર્મ છે. વ્યવહાર ધર્મને પણ ધર્મ નામ તો છે પણ એ પરમાર્થ ધર્મ નથી.

સમયસાર નિર્જરા અધિકારમાં ‘જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી’ એવો પાઠ છે. ત્યાં ધર્મ એટલે પુણ્ય અર્થ કર્યો છે, સમકિતી ધર્મીને, પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી વ્યવહાર (શુભભાવ) હોય છે અને ઉપચારથી તેને ધર્મનું કારણ (સાધન) પણ કહ્યું છે પણ એ કાંઈ ખરું કારણ નથી. (નિમિત્તનું જ્ઞાન કરાવવા ઉપચારથી તેને કારણ કહ્યું છે). દયા, દાન, ભક્તિ આદિના પરિણામ ધર્મીને આવે છે પણ એના ઉપર ધર્મીની દ્રષ્ટિ નથી; ધર્મી તો એનો જાણનાર રહે છે. જેમ ખેડૂતની નજર અનાજ પર હોય છે, ઘાસ પર નહિ તેમ ધર્મીની દ્રષ્ટિ ચૈતન્યસ્વભાવ પર હોય છે, પુણ્યભાવ પર નહિ. ચોથે ગુણસ્થાને કોઈ સમકિતી છ ખંડના રાજ્યના વૈભવમાં હોય, છન્નુ હજાર રાણીઓના વૃંદમાં હોય છતાં એ રાજવૈભવ કે એ રાણીઓ મારી છે એમ એની દ્રષ્ટિ નથી. તેથી તો કહ્યું છે કે ‘ભરત ઘરમાં વૈરાગી.’ સમજાણું કાંઈ...!

[પ્રવચન નં. ૨૪૦ શેષ થી ૨૪૩ * દિનાંક ૨૩-૧૧-૭૬ થી ૨૬-૧૧-૭૬]