૩૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ જાણે શું એ કરી નાખ્યું એમ એને થઈ જાય છે. પણ એમાં તો ધૂળેય તપ અને ધર્મ નથી, સાંભળને. એ બધા બહારના ભપકા તો સ્મશાનના હાડકાના ફોસ્ફરસની ચમક જેવા છે. અરે! બહારની ચમકમાં જગત ફસાઈ ગયું છે! ભાઈ! એ તો બધો સ્થૂળ રાગ છે અને એને હું કરું એમ માને એ મિથ્યાત્વ છે. અહીં તો ‘હું શુદ્ધ ચૈતન્ય છું’-એવા અભિપ્રાયથી ખસી ‘રાગ તે હું છું’ એ અભિપ્રાય થયો ત્યાં તે શુદ્ધનયથી ભ્રષ્ટ થઈ ગયો; ભલે બહારના ક્રિયાકાંડ એવા ને એવા જ રહ્યા કરે પણ તે અંદરથી ભ્રષ્ટ થઈ ગયો છે અને નવીન કર્મબંધ અવશ્ય થાય જ છે...એમ કહે છે.
‘જ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સદ્ભાવ થાય છે.’
વીતરાગ સર્વજ્ઞદેવની દિવ્યધ્વનિમાં એમ આવ્યું છે કે-જે કોઈ આત્મા નિમિત્ત, રાગ કે એક સમયની પર્યાયની દ્રષ્ટિ છોડી અનંત અકષાય શાંતિનો પિંડ, ચૈતન્યપ્રકાશના પૂરસમા ચૈતન્યબિંબમય ભગવાન આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરે છે તે જ્ઞાની છે, ધર્મી છે. હવે આવો ધર્મી પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવની મહત્તાના મહિમાથી છૂટી એક સમયની જ્ઞાનની વર્તમાન અવસ્થા કે દયા, દાન, વ્રત આદિ શુભરાગની અવસ્થાની રુચિમાં ગરી જાય તો તે શુદ્ધનયથી ચ્યુત છે. આત્મા સદા જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. તેના સ્વભાવની દ્રષ્ટિમાં રહેવું તે શુદ્ધનયમાં રહેવું છે, અને એનાથી છૂટી દયા, દાન આદિ પર્યાયની રુચિ થઈ જવી એ શુદ્ધનયથી ભ્રષ્ટ થવાપણું છે.
જેમ નાળિયેરમાં ઉપરની લાલ છાલ, અંદરની કાચલી કે ગોળા ઉપરની રાતડ એ કાંઈ નાળિયેર નથી. અંદરમાં સફેદ મીઠો ગોળો છે તે નાળિયેર છે. તેમ આત્મામાં શરીર, કર્મ કે શુભાશુભભાવ તે કાંઈ આત્મા નથી; અંદર જે નિર્મળાનંદનો નાથ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન બિરાજી રહ્યો છે તે આત્મા છે. શરીરની અવસ્થા બાળ હો, યુવા હો કે વૃદ્ધ હો વા દેહ પુરુષનો હો કે સ્ત્રીનો હો, આબાલગોપાળ બધાના આત્મા વસ્તુસ્વભાવે આવા જ છે. આવા આત્માની દ્રષ્ટિ કર્યા વિના જે કાંઈ દયા, દાન, વ્રતાદિ કરવામાં આવે એ કાંઈ આત્માનું કાર્ય નથી, કેમકે એ તો બધો રાગ છે. આત્માનું કાર્ય તો દ્રષ્ટિ શુદ્ધ ચિદાનંદઘનમાં પ્રસરતાં પર્યાયમાં પરિપૂર્ણ સ્વજ્ઞેયનું જ્ઞાન થાય, અનુભવ થાય તે છે. તેને જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહે છે. અહા! આવા સુખના પંથે ચઢયો હોય અને ત્યાંથી ભ્રષ્ટ થઈ ફરીને રાગની રુચિ થઈ જાય, બહારના વ્રત, તપ આદિના પ્રેમમાં પડી જાય તે શુદ્ધનયથી ભ્રષ્ટ થઈ ગયો છે.
આ શરીર, મન, વાણી, મકાન, વાસ્તુ આદિના ભપકા તો જડ અને નાશવાન