Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1806 of 4199

 

સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] [ ૩૪પ ચીજ નથી. એને તું મારી મારી કહે પણ ભગવાન! એ તો જડ છે; એ કયાં તારામાં છે? એવી રીતે આ શરીર પણ માટી-ધૂળ છે. એ જડ પુદ્ગલની ચીજ છે તે તારા ચૈતન્યસ્વરૂપ કયાંથી થાય? વળી અંદરમાં આ જે પુણ્ય-પાપના ભાવ થાય છે એ પણ તારી ચીજ નથી; એ તો આસ્રવ છે, આસ્રવની ચીજ છે, જડ છે, કેમકે ચૈતન્યનો અંશ એમાં કયાં છે? (નથી)

તેથી તો આ સિદ્ધાંત-રહસ્ય કહ્યું કે ‘શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી. ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિનું રહસ્ય આ છે કે-શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્મા જે ઉપાદેય છે તે કોઈ ક્ષણે કે કોઈ કારણે છોડવા યોગ્ય નથી; અને રાગ જે અનાદિથી પર્યાયમાં ઉપાદેય કર્યો છે તે ગ્રહણ કરવા યોગ્ય નથી, અર્થાત્ છોડવા યોગ્ય છે. આ ટૂંકી અને ટચ સાર વાત છે.

અહા! અત્યારે સંપ્રદાયમાં તત્ત્વના વિરહ પડયા એટલે લોકોને આ વાત સાંભળતાં દુઃખ લાગે છે. એમને થાય છે-શું અમે વ્રત ને તપ કરીએ છીએ તે ધર્મ નહિ? આમાં તો અમારી વાત બધી ખોટી પડે છે.

બાપુ! તને દુઃખ થાય તો ક્ષમા કરજે ભાઈ! પણ માર્ગ તો આ છે અને સત્ય પણ આ જ છે. તારો એ ભગવાન (આત્મા) પૂર્ણાનંદ પ્રભુ છે તે ક્ષમા આપે ભાઈ! ભગવાન! તારી વાત બધી ખોટી હોય અને ખોટી પડે એમાં તારું હિત છે. આમાં કોઈ વ્યક્તિનો વિરોધ કે તિરસ્કાર નથી. ‘સત્વેષુ મૈત્રી’, બધા જ ભગવાન છે, દ્રવ્યે સાધર્મી છે ત્યાં કોનાથી વિરોધ? અમને તો બધા પ્રત્યે વાત્સલ્ય છે, કોઈ પ્રતિ દ્વેષ નથી. જ્ઞાનીને તો કોઈનો અનાદર ન હોય. આ તો વસ્તુનું સ્વરૂપ અને માર્ગની રીત જેમ છે તેમ અહીં કહે છે.

એક આર્યા મળ્‌યાં હતાં તે કહેતાં હતાં-બાર પ્રકારના તપના ભેદમાં પ્રથમ ‘અનશન’ એટલે આહાર છોડવો તેને શાસ્ત્રમાં તપ કહ્યું છે; અને તપ છે તે નિર્જરા છે અને નિર્જરાને ભગવાને મોક્ષમાર્ગ કહ્યો છે. માટે તમે બીજું ગમે તે કહો પણ ઉપવાસ છે તે તપ છે, નિર્જરા છે અને ધર્મ છે.

અહા! આવી વાત, હવે શું થાય? ભાઈ! હું આહારનો ત્યાગ કરું છું અને ઉપવાસને ગ્રહણ કરું છું એવો ભાવ તે ઉપવાસ નથી; એ તો અપવાસ એટલે કે માઠો વાસ છે, કેમકે એવી માન્યતા મિથ્યાત્વ છે.

આત્મામાં એક ‘ત્યાગઉપાદાનશૂન્યત્વ’ નામની શક્તિ છે જેના કારણે આત્મામાં કોઈ પણ પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ છે જ નહીં. ભગવાન આત્મા તો અનાદિથી પરદ્રવ્યના ગ્રહણ- ત્યાગરહિત જ છે. ફક્ત એણે પર્યાયમાં રાગને પડકયો છે તેને