૩૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ત્યાગવો અને શુદ્ધ ચૈતન્યસ્વભાવને છોડયો છે એને ગ્રહણ કરવો-બસ આ વાત છે. અહો! જુઓ, સંતો પરમાત્માની વાણીનું રહસ્ય કહે છે. મૂળમાં (કળશમાં) તાત્પર્ય કીધું છે ને! પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ, કે દ્રવ્યાનુયોગ હોય, ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. પંચાસ્તિકાય, ગાથા ૧૭૨ માં સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા કહ્યું છે.
અહીં પણ એ જ કહે છે કે ભગવાન પૂર્ણાનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ જેને ઉપાદેયપણે અનુભવ્યો તે ત્યાગવાયોગ્ય નથી. સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના ત્યાગથી જ-એનો અનાદર-અરુચિ કરવાથી જ બંધન છે. સ્વભાવનો ત્યાગ એ જ બંધન છે અને એનો અત્યાગ એ જ અબંધન અર્થાત્ મુક્તિ છે.
કોઈને (અજ્ઞાનીને) એમ થાય કે આમાં તે શું સમજવું? (એમ કે કોઈ દયા, દાન, વ્રત, તપની ક્રિયા કરવાની વાત કહે એ તો સમજવા યોગ્ય છે.) બાપુ! આ સમજ્યે જ છૂટકો છે, અન્યથા નરક અને નિગોદના ભવ કરી-કરીને તારાં છોતાં નીકળી જશે. આજેય જેને લોકો જીવ માનવાને હા ન પાડે એવા નિગોદના અનંત જીવો છે. ત્યાં અક્ષરના અનંતમા ભાગે ઉઘાડ રહી ગયો છે જેની કોઈ ગણતરી નથી. ભગવાન! આ સમજ્યા વિના અનંતકાળ તું આવી સ્થિતિમાં રહ્યો હતો. બાપુ! સ્વરૂપની સમજણનો ત્યાગ કરે તો એનું પરંપરા ફળ નિગોદ જ છે. સમજાણું કાંઈ...?
છહઢાળામાં કહ્યું છે કે-
લ્યો, સર્વ શાસ્ત્રોનું આ રહસ્ય!
શુદ્ધનય ત્યાગવાયોગ્ય નથી; કેમ? ‘हि’ કારણ કે ‘तत्–अत्यागात् बन्धः नास्ति’ તેના અત્યાગથી બંધ થતો નથી અને ‘तत्–त्यागात् बन्धः एव’ તેના ત્યાગથી બંધ જ થાય છે.
અહાહા...! શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પરમાત્મસ્વરૂપે અંદર વિરાજી રહ્યો છે તેને જેણે ઉપાદેય કરી સત્કાર્યો, સન્માન્યો, આશ્રયભૂત કર્યો તે હવે ત્યાગવાયોગ્ય નથી કેમકે એના અત્યાગથી અર્થાત્ ગ્રહણથી-આશ્રયથી બંધ થતો નથી. શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્માનો ત્યાગ ન થાય. જુઓ આ ત્યાગ અને અત્યાગની વ્યાખ્યા!
વસ્તુ આત્મા અતીન્દ્રિય આનંદનો શુદ્ધ ચૈતન્યગોળો છે. એની પર્યાયમાં પુણ્ય-પાપ આદિ વિકાર હો, પણ વસ્તુના સ્વભાવમાં એ છે નહિ. આવી વસ્તુને જે સમ્યગ્દ્રષ્ટિએ