૩૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એને કર્મબંધન હોય એમ પણ નહિ. ગજબ વાત ભાઈ! બહારમાં સ્ત્રી-કુટુંબપરિવાર, દુકાન- ધંધા આદિ છોડીને બેસે તો મોટો ત્યાગ કર્યો એમ દુનિયા કહે પણ શેનો ત્યાગ કર્યો? પરદ્રવ્યોનેએણે કે દિ’ ગ્રહ્યા હતા કે એનો ત્યાગ કર્યો? અહીં તો ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ એ જ વાસ્તવિક ગ્રહણ-ત્યાગ છે જે અબંધનું કારણ છે. જ્યારે ત્રિકાળી સ્વરૂપનો ત્યાગ અને રાગનું ગ્રહણ એ બંધનું કારણ છે પછી ભલે બાહ્ય ત્યાગ ગમે તેટલો હોય, આવો પરમેશ્વરનો વીતરાગ માર્ગ છે ભાઈ!
ત્રિલોકીનાથ પરમાત્મા એમ કહે છે કે અંદરમાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદઘન ભગવાન આત્માની રુચિ-દ્રષ્ટિ છોડીને રાગનો-શુભરાગનો પ્રેમ અને આદર કરે છે એ અજ્ઞાની બહિરાત્મા બાળક છે. અને જેણે દ્રષ્ટિમાંથી રાગનો ત્યાગ કરી નિજ શુદ્ધ ચૈતન્યતત્ત્વનો આદર કર્યો તે અંતરાત્મા યુવાન છે અને એમાંથી પરમાત્મા થાય ત્યારે તે વૃદ્ધ (વર્ધમાન) થયો. બાકી આ શરીરની બાળ, યુવા અને વૃદ્ધાવસ્થા એ તો જડરૂપ જડની છે.
હવે આવી વ્યાખ્યા અને આવી વાત માંડ કોઈ દિ’ સાંભળવા મળે અને માંડ પકડાય ત્યાં વળી લાકડાં ઊંધાં ગરી ગયાં હોય કે-કાંઈક વ્રત કરે, તપ કરે તો ધર્મ થાય-એ આનો નિર્ણય કરે કયારે? અને નિર્ણય થયા વિના શુદ્ધાત્માનું ગ્રહણ કેમ થાય? અરે ભાઈ! ધર્મીને એવો રાગ-વ્યવહાર આવે છે, થાય છે ખરો પણ એ આચરવા લાયક નથી, છોડવા લાયક જ છે. હજુ પરમાત્મા પૂર્ણ પર્યાયમાં પ્રગટ થયો નથી છતાં તે પૂર્ણસ્વરૂપ છે તે જ ઉપાદેય છે, આદરણીય અને આચરણીય છે આવી વાત છે.
ફરી, ‘‘શુદ્ધનય છોડવા યોગ્ય નથી’’ એવા અર્થને દ્રઢ કરનારું કાવ્ય કહે છેઃ-
‘धीर–उदार–महिम्नि अनादिनिधने बोधे धृतिं निबध्नन् शुद्धनयः’ ધીર (ચળાચળતા રહિત) અને ઉદાર જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો શુદ્ધનય-
જુઓ, શું કહે છે? ભગવાન આત્મા ધીર એટલે શાશ્વત સ્થિર ચળાચળતા રહિત છે. વળી તે ઉદાર છે અર્થાત્ વિશ્વના ગમે તેટલા (અનંત) જ્ઞેયો હોય તોય તે સર્વને જાણવાના સામર્થ્ય સહિત છે. અહાહા...! ત્રણકાળ ત્રણલોકના અનંત પદાર્થને જાણે એવી જ્ઞાનસ્વભાવની ઉદારતા છે. કરે કોઈને નહિ અને જાણે સર્વને એવા ઉદાર સ્વભાવવાળો છે. જે આવે તેને પૈસા આપે એને લોકો ઉદાર માણસ છે એમ નથી કહેતા? એમ જ્ઞાનસ્વભાવ સર્વને જાણે એવો ઉદાર છે.
એક ભાઈ પૂછતા હતા કે-મહારાજ! સિદ્ધ પરમાત્મા શું કરે? કોઈનું ભલું-બુરું કરે કે નહિ?