સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] [ ૩૪૯
ત્યારે કહ્યું કે-ભાઈ! સિદ્ધ પરમાત્મા પરનું કાંઈ ન કરે, ફક્ત પોતાના અતીન્દ્રિય આનંદ અને વીતરાગી શાંતિનો અનુભવ કરે. (નિજાનંદરસમાં લીન રહે). ત્યારે એ ભાઈ કહેવા લાગ્યા -અમે સાધારણ માણસ છીએ તોય અમે કેટલાયનું ભલું કરીએ છીએ અને સિદ્ધ ભગવાન કોઈનું કાંઈ ન કરે તો એ ભગવાન કેવા? જુઓ આ મિથ્યાભાવ! અમે પરનું કરીએ છીએ, જીવ પરનાં કાર્ય કરે એવું જે કર્તાપણાનું અભિમાન તે મિથ્યાત્વ છે, કેમકે આત્મા પરનું ધૂળેય (કાંઈ પણ) કરતો નથી -કરી શકતો નથી. સમજાણું કાંઈ...?
અહો! ત્રણકાળ ત્રણલોકને જાણે એવી જ્ઞાનની શક્તિની ઉદારતા છે. અરે! એના શ્રુતજ્ઞાનમાં પણ પરોક્ષપણે લોકાલોકને જાણે એટલી તાકાત છે. અલ્પજ્ઞાનમાં પણ લોકાલોક જણાય એટલી એની તાકાત છે. શક્તિએ ઉદાર છે અને દશાએ પણ ઉદાર છે, એવો એનો મહિમા છે. અહા! એના મહિમાનાં ગાણાં પણ એણે સાંભળ્યાં નથી, અને કદાચ સાંભળ્યાં હોય તો સાંભળીને ગાંઠે બાંધ્યાં નથી.
લોકમાં કોઈ સરખાઈની ગાળ આપે તો એને પચાસ-પચાસ વર્ષ સુધી ગાંઠે બાંધી રાખે કે આણે મને આવા પ્રસંગે ગાળ આપી હતી. આ તો દાખલો છે (એમ કરવું જોઈએ એમ નહિ). તેમ અહીં કહે છે-ભગવાન! આવા પરમ મહિમાવંત તારા આત્માનાં ગીત સાંભળીને તું ગાંઠે બાંધ કે હું આવો છું. ભગવાન! તારી પરિણતિને એક વાર તારા આત્મામાં સ્થિર કર. (પરિણતિને ધ્રુવના ખીલે બાંધ).
અહીં કહે છે કે-ધીર અને ઉદાર જેનો મહિમા છે એવા અનાદિનિધન જ્ઞાનમાં સ્થિરતા બાંધતો શુદ્ધનય અર્થાત્ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વરૂપનો આશ્રય લઈને એમાં જ સ્થિરતા કરતી જ્ઞાનની પરિણતિ જેને શુદ્ધનય કહીએ તે, कर्मणाम् सर्वंकषः’ કે જે કર્મોને મૂળથી નાશ કરવાનો છે તે ‘कृतिभिः’ પવિત્ર ધર્મી પુરુષોએ ‘जातु’ કદી પણ ‘न त्याज्यः’ છોડવા યોગ્ય નથી.
અહાહા...! ભગવાન પૂર્ણાનંદનો-પોતાની પૂર્ણ વસ્તુનો આશ્રય લેતાં પરિણતિમાં શુદ્ધતા-પવિત્રતા પ્રગટ થઈ, સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થયાં. હવે તે સમકિતી જીવ કર્મોને મૂળથી નાશ કરનારો છે અર્થાત્ રાગની ઉત્પત્તિ કરનારો નથી. ‘कृतिभिः’ કહ્યું છે ને? એટલે કે ધર્માત્મા જેણે આત્માના આનંદના અનુભવરૂપ જે કાર્ય કરવા યોગ્ય હતું તે પૂર્ણાનંદના નાથને દ્રષ્ટિમાં અને વેદનમાં લઈને પૂરું કર્યું છે. રાગથી પોતાને બહાર કાઢી જ્ઞાનાનંદસ્વભાવી આત્માના આશ્રયે તેણે કરવા યોગ્ય સુકૃત-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કરી લીધું છે. સુકૃત એટલે સત્કાર્ય. સમ્યગ્દર્શનાદિરૂપ સત્કાર્ય પ્રગટ કર્યું હોવાથી હવે તે ધર્મી પવિત્ર પુરુષ રાગાદિનો કરનારો નથી.
તો શું ધર્માત્માને રાગ આવતો જ નથી?