Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1812 of 4199

 

સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] [ ૩પ૧ છે તો નિજ આત્મસ્વરૂપમાં જ દ્રષ્ટિ સ્થિર બાંધવા જેવી છે. ‘જ્ઞાનમાં સ્થિરતા બાંધતો શુદ્ધનય’ એમ કહ્યું છે ને? એનો અર્થ જ એ છે કે અંદરમાં શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો આશ્રય પકડયો છે એટલે શુદ્ધનય સ્વરૂપમાં જ સ્થિરતા બાંધે છે, સ્વરૂપથી ખસતો નથી. સમજાણું કાંઈ...?

ભાઈ! આ તો અધ્યાત્મશાસ્ત્ર છે બાપા! આ કોઈ લૌકિક કથા-વાર્તા નથી, આ તો ભગવાન આત્મા-પરમાત્માની કથા છે. ચિદાનંદ ચૈતન્યમય ભગવાનની અંતરની સ્થિરતા છોડીને વ્યવહારના વિકલ્પની દશાથી જીવને લાભ થાય એમ કહે તે કુકથા-વિકથા છે. શાસ્ત્રમાં ચાર પ્રકારે વિકથા કહી છે-સ્ત્રીકથા, રાજકથા, ભોજનકથા અને ચોરકથા. એનો જ વિસ્તાર કરતાં ‘ભાવદીપિકા’માં પચીસ પ્રકારની વિકથા કહી છે. ત્યાં રાગના વિકલ્પથી ધર્મ થાય એવી વાતને વિકથા કહી છે.

અરે ભગવાન! તને તારી દયા નથી? ચૈતન્યનો આદર છોડીને તું રાગના આદરમાં ગયો! પ્રભુ! તેં તારી હિંસા જ કરી છે. ‘આવો ત્રિકાળ પવિત્ર પ્રભુ આત્મા તે હું નહિ અને રાગ તે હું’ -એમ સહજાનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો ઈન્કાર કરીને અને ક્ષણિક પુણ્ય-પાપના વિકલ્પોને સ્વીકારીને ભગવાન! તેં જીવતી જ્યોત એવી નિજ ચૈતન્યજ્યોતિનો નાશ કર્યો છે. હે ભાઈ! જો તને હિંસા-દુઃખથી નિવૃત્તિની ઇચ્છા છે તો રાગની દ્રષ્ટિ છોડીને નિજ ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ કર, અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ સ્થિર થઈ બંધાઈ જા.

હવે કહે છે-‘तत्रस्थाः’ શુદ્ધનયમાં સ્થિત તે પુરુષો, ‘बहिः निर्यत् स्व–मरीचिचक्रम् अचिरात् संहृत्य’ બહાર નીકળતા એવા પોતાનાં જ્ઞાનકિરણોના સમૂહને અલ્પ કાળમાં સમેટીને, ‘पूर्ण ज्ञान–घन–ओघम् एकम् अचलम् शान्तम् महः’ પૂર્ણ જ્ઞાનઘનના પુંજરૂપ, એક, અચળ, શાંત તેજને-તેજઃપુંજને ‘पश्यन्ति’ દેખે છે અર્થાત્ અનુભવે છે.

જુઓ, શું કહ્યું? કે શુદ્ધનયમાં સ્થિત એટલે ચૈતન્યમૂર્તિ નિજ જ્ઞાયકભાવમાં સ્થિત તે પુરુષો બહાર નીકળતા એવા પોતાના જ્ઞાનકિરણોના સમૂહને સમેટીને અંદર જ્ઞાનઘનના પુંજરૂપ અવિચળ એક નિજ આત્મસ્વરૂપને અનુભવે છે. જ્ઞાનકિરણોના સમૂહને સમેટીને એટલે કે જે જ્ઞાનની પર્યાય પર અને વ્યવહારરત્નત્રયના અવલંબનમાં બહાર નીકળતી હતી તેને સંકોચીને- રોકીને શુદ્ધ ચૈતન્યઘન એવા નિજ પરમાત્મદ્રવ્યમાં લીન-વિલીન કરી દે છે. અહાહા...! અહીં કહે છે -જ્ઞાનનાં કિરણો અર્થાત્ જ્ઞાનની પર્યાયો શુભાશુભભાવમાં આમ બહાર જાય છે એને હવે સમેટી લે, રોકી દે, પાછી વાળ અને પોતાના સ્વરૂપમાં મગ્ન કર; કેમકે તે બન્ને ભાવો અઠીક છે. જો તારે શાંતિ જોઈતી હોય તો વિકલ્પમાં જતી જ્ઞાનની પર્યાયને પાછી વાળ- અશુભરાગથી તો પાછી વાળ પણ વ્રત, તપ આદિ શુભરાગથી પણ પાછી વાળ. જ્ઞાન ભેદના લક્ષે સૂક્ષ્મ પણ વિકલ્પમાં રોકાઈ રહે એ બધું નુકશાન છે ભાઈ! કેમકે પોતાના ભગવાનમાંથી બહાર