૩પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ નીકળતી જ્ઞાનની પર્યાયો પરાવલંબી થાય છે. સ્વાવલંબન છોડી પરાવલંબી થવું એ નુકશાન જ છે, દુઃખ જ છે, સમજાણું કાંઈ...?
ભાઈ! આ તો સમજીને અંદર પોતામાં શમાઈ જવાની વાત છે. કહે છે-ભર્યું ઘર છે ને પ્રભુ! તારું; અરે! એમાંથી બહાર નીકળવું તને કેમ ગોઠયું? અહા! દેવ-ગુરુ-શાસ્ત્રમાં જતી પર્યાય પણ પરાવલંબી અને રાગયુક્ત છે. દ્રષ્ટિમાં તો એનો નિષેધ કર્યો છે. પણ હવે અંતઃસ્થિરતા કરી એને (પરાવલંબનને, રાગને) છોડી દે. ‘અલ્પકાળમાં સમેટીને’ એમ લીધું છે ને? મતલબ કે શીઘ્ર કામ લે, વિલંબ ન કર, લાંબો કાળ ન થવા દે હવે; ભગવાન! તું અલ્પકાળમાં ‘અચિરાત્’ એટલે તત્કાળ પાછો વળી જા. હવે આવો માર્ગ! અરે ભાઈ! એનો નિર્ણય તો કર કે માર્ગ આ છે, બીજો કોઈ નહિ. અહો! આ તો એક એક કળશ એકલા અમૃતથી ભરેલો છે. આચાર્ય અમૃતચંદ્રે આ પંચમકાળમાં અમૃત વરસાવ્યાં છે. અહો! ‘અમૃત વરસ્યાં રે પંચમકાળમાં!’
‘બહાર નીકળતા એવા પોતાના જ્ઞાનકિરણોના સમૂહને’ -અહા! આ ભાષા તો જુઓ,. જ્ઞાનની પર્યાયો પોતે બહાર નીકળે છે, પરને અવલંબી પરાવલંબી થાય છે; કોઈ કર્મને લઈને પરાવલંબી થાય છે એમ નહિ. કર્મ શું કરે? કર્મ તો નિમિત્તમાત્ર છે. કર્મ નિમિત્ત છે પણ કર્મ (ઉપાદાનમાં) કાંઈ કરે છે એમ નથી. નિમિત્ત ઉપાદાનનું કરે તો તે નિમિત્ત કહેવાય નહિ. કોઈએ સંદેશમાં (છાપામાં) લખ્યું છે કે-સોનગઢવાળા નિમિત્તનો નિષેધ નથી કરતા, નિમિત્ત નથી એમ નથી કહેતા પણ નિમિત્ત પરના (ઉપાદાનના) કાર્યના કર્તા નથી એમ કહે છે. વાત તો એમ જ છે બાપા! નિમિત્ત છે અવશ્ય પણ નિમિત્ત પરમાં કાંઈ કરે છે એ વાત નથી.
હવે એવા પુરુષો કેવા આત્માને અનુભવે છે તે કહે છે. ભાઈ! તું કોણ છો અને તારે કયાં જવું નાથ? અનાદિ અનંત ધીર અને ઉદાર એવા એક જ્ઞાનઘનના પુંજરૂપ તું તત્ત્વ છો, અહાહા...! જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન સામાન્ય અભેદ એક છે તેમાં જે વિશેષ-ભેદ પડે છે ત્યાંથી (ભેદના લક્ષથી) પાછો વળી સામાન્યમાં જા; ત્રિકાળી જ્ઞાનઘન ભગવાન અનાદિથી એક સમયની પર્યાયમાં રમતુ રમતો હતો એ રમતુ ફેરવ અને નિજાનંદઘનસ્વરૂપમાં રમતુ માંડ એમ કહે છે. તેથી તને પૂર્ણજ્ઞાનઘનનો પુંજ પરમાત્મસ્વરૂપે અંદર વિરાજી રહ્યો છે તે દેખાશે. કેવો છે તે? તો કહે છે જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવે ભરેલો તે ‘એક’ છે અર્થાત્ અભેદ છે. વળી તે ‘અચળ’ અર્થાત્ ચૈતન્યસ્વરૂપથી ચળે નહિ તેવો છે. વળી શાંત તેજપુંજ છે અર્થાત્ અવિકારી શાંતિના તેજનો ગોળો છે.
અહાહા...! બહાર જતી પર્યાયોને બહારમાંથી પાછી વાળી ત્યાં અંદરમાં આવો આત્મા દેખે છે-અનુભવે છે. ભાઈ! આ ભગવાનની વાણી છે. કુંદકુંદાચાર્ય તો એના આડતિયા છે. અહો! એકલાં હિતનાં અમીઝરણાં છે. ભગવાન! તારા આત્માના હિતની