સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] [ ૩પ૭ થવાથી આ જ્ઞાન પ્રગટ થયું એટલે કેવળજ્ઞાન પ્રગટ થયું. જેમ ફૂલની કળી સર્વ પાંખડિયે ખીલી નીકળે તેમ જ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યરૂપ જ્ઞાનસ્વરૂપ ભગવાનમાં પૂર્ણ એકાગ્ર થતાં જ્ઞાન કેવળજ્ઞાનરૂપે ખીલી નીકળ્યું. અહીં રાગની કોઈ ક્રિયા કરવાથી ખીલી નીકળ્યું એમ નહિ, રાગનો તો નાશ કરીને ખીલી નીકળ્યું છે; એકાગ્રતાની અંતઃક્રિયા વડે ખીલી નીકળ્યું છે. આવી વાત!
‘રાગાદિક આસ્રવોનો નાશ થવાથી’ એમ કહ્યું ને! ત્યાં કોઈને થાય કે-લ્યો, આમાં ક્રમબદ્ધ કયાં રહ્યું? તો કહે છે-ભાઈ! ક્રમબદ્ધ જ રહ્યું-ક્રમબદ્ધ જ છે. સ્વભાવમાં એકાગ્ર થનાર જીવ રાગાદિનો અભાવ કરીને અલ્પકાળમાં મુક્તિ પામે એવો જ એનો ક્રમ હોય છે. રાગનો સર્વથા અભાવ થઈને કેવળજ્ઞાન પ્રગટ થયું એ ક્રમબદ્ધ જ છે -સમજાણું કાંઈ...?
હવે કહે છે-આ જ્ઞાન પ્રગટ થયું-‘स्फारस्फारैः’ કે જે જ્ઞાન અત્યંત અત્યંત (-અનંત અનંત) વિસ્તાર પામતા ‘स्वरसविसरैः’ નિજરસના ફેલાવથી ‘आ–लोक अन्तात्’ લોકના અંતસુધીના ‘सर्वभावान्’ સર્વ ભાવોને ‘प्लावयत्’ તરબોળ કરી દે છે અર્થાત્ સર્વ પદાર્થોને જાણે છે-લોક-અલોક બધાને જાણી લે છે. ‘પ્લાવયત્’ એમ કહ્યું ને? મતલબ કે પૂરણપોળી જેમ ઘીમાં તરબોળ થઈ જાય છે તેમ સમસ્ત લોકાલોકને જ્ઞાન તરબોળ કરી દે છે અર્થાત્ આખા લોકાલોકને જાણી લે છે. આનાથી વિરુદ્ધ જે જ્ઞાન રાગની સાથે એકતા કરે છે તે જ્ઞાન ડૂબી જાય છે એટલે કે પર્યાયમાં ઢંકાઇ જાય છે. વસ્તુનો આદર કરી તેમાં જ એકાગ્ર થતાં શક્તિનો વિસ્તાર ફેલાવ થાય છે અને જેમ હજાર પાંખડિયે ગુલાબ ખીલી નીકળે તેમ અનંતગુણની પાંખડિયે આત્મા ખીલી નીકળે છે.
કેવું છે તે જ્ઞાન? તો કહે છે-‘अचलम्’ જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે અર્થાત્ પ્રગટયા પછી સદા એવું ને એવું જ રહે છે-ચળતું નથી; ગુલાબની કળી તો ખીલ્યા પછી બે-ચાર દિવસમાં કરમાઈ જાય પણ કેવળજ્ઞાન તો એક વખત પ્રગટયા પછી એવું ને એવું જ રહે છે. વળી ‘अतुलं’ જે જ્ઞાન અતુલ છે અર્થાત્ એના તુલ્ય બીજું કોઈ નથી, ઉપમા વિનાનું નિરુપમ છે. અહાહા...! કેવળજ્ઞાન થતાં જાણે બધું અને કરે કોઈનું નહિ. આવી વાતો ને આવો ધર્મ! આથી કેટલાક કહે છે કે સોનગઢમાં તો એકલી નિશ્ચય-નિશ્ચયની વાતો કરે છે. પણ ભાઈ! નિશ્ચય એટલે જ પરમાર્થ પરમ સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર-અપરમાર્થ.
અહો! આ તો ભગવાનની ધ્વનિની મીઠી મધુરી મોરલીનો નાદ! ગાજીને કહે છે- ભગવાન! તારા સ્વરૂપમાં અંદર જતાં તને આનંદ પ્રગટશે, એમાં જ વિશેષ એકાગ્ર થતાં તને ચારિત્ર-શાંતિ વૃદ્ધિ પામશે અને પરિપૂર્ણ એકાગ્ર થતાં કેવળજ્ઞાન પ્રગટ થશે. અહા! એ કેવળજ્ઞાન અચળ અને અતુલ છે.