૩પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
હવે આવો આત્મા એણે સાંભળ્યોય નથી. આત્માને (-પોતાને પામર માનીને એણે એને મરણતોલ કરી નાખ્યો છે. પરથી સુખ માને એ બધા પર્યાયે પામર છે. જ્યાં પાંચ-પચાસ લાખનું ધન થાય કે બાયડી કાંઈક સારી રૂપાળી મળે, કે દીકરો કમાઉ પાકે ત્યાં માને કે અમે સુખી છીએ. કાંઈક સંજોગ ઠીક મળે કે સંજોગના મોહમાં તણાઈ જાય. અરે ભાઈ! આ શું થયું તને? તારી અનંતી મહત્તા ભૂલીને તું પરની મહત્તામાં મૂર્છાઈ ગયો! બાપુ! એથી તો તારા ચૈતન્યસ્વરૂપનો ઘાત થયો છે.
અરે ભાઈ! જેનાં જીવન આમ ને આમ અજ્ઞાનમાં ચાલ્યા જાય છે એ બધા ઢોરમાં જઈ નરક-નિગોદમાં ચાલ્યા જશે. તત્ત્વનો વિરોધ કરનારા નિગોદદશાને પામે છે, અને તત્ત્વનું આરાધન કરનારા અવિચળ મોક્ષદશાને પામે છે. બાકીની બે-નરક અને સ્વર્ગની ગતિ તો શુભાશુભભાવનું ફળ છે. (ખરેખર તો બે જ ગતિ છે).
આ વેપારાદિ વડે પૈસાની કમાણી થાય એ તો બધી પાપની કમાણી છે. અંદર નિજ ચૈતન્યભગવાનનું શરણ લેતાં પવિત્રતાની કમાણી થાય છે. અહો! અંદર આખું ચૈતન્યનિધાન પડયું છે ને? અનંત સત્નું સત્ત્વ, અનંતગુણ-સ્વભાવની ખાણ અંદર પડી છે. અહાહા...! અનંત ગુણનું ગોદામ, અનંત શક્તિઓનું સંગ્રહસ્થાન પ્રભુ આત્મા છે. એની પર્યાયમાં રાગ થાય એ એને મોટું નુકશાન છે. જ્ઞાનીને વચમાં વ્રતાદિનો વ્યવહાર-રાગ આવે છે પણ છે એ નુકશાન. જ્ઞાની તેને અંતઃએકાગ્રતાના અભ્યાસ વડે દૂર કરે છે અને અંતરમાં પરિપૂર્ણ એકાગ્રતા કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. આવું કેવળજ્ઞાન સદા અચલ અને અતુલ છે એમ અહીં કહે છે.
‘જે પુરુષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધનયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરુષને, તત્કાળ સર્વ રાગાદિક આસ્રવભાવોનો સર્વથા અભાવ થઈને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ, અતુલ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી.’
પ્રશ્નઃ– દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે અને ભગવાનના કેવળજ્ઞાનમાં વર્તમાન જણાઈ રહી છે તો પુરુષાર્થ કરવો કયાં રહ્યો?
ઉત્તરઃ– દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે અને જે સમયે જે પર્યાય થવાની તે સમયે તે જ થશે એમ જેને યથાર્થ નિર્ણય થયો તેને તો સ્વભાવની અંતર્દ્રષ્ટિ-પૂર્વક સમ્યગ્દર્શન થયું અને એ જ પુરુષાર્થ છે. પર્યાયબુદ્ધિ-પર્યાયદ્રષ્ટિ દૂર થઈને અંતર્દ્રષ્ટિ-દ્રવ્યદ્રષ્ટિ થાય તેને જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોય છે અને તે જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધના નિર્ણયમાં આખું કર્તાપણું છૂટી અકર્તાપણું વા જ્ઞાતાપણું પ્રગટ થાય છે.
આગળની ટીકાઃ– આ રીતે આસ્રવ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.