સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] [ ૩પ૯
ભાવાર્થઃ– ‘આસ્રવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે જાણી લીધો તેથી તે બહાર નીકળી ગયો.’ પુણ્ય-પાપના ભાવ દુઃખસ્વરૂપ છે અને ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે એવું ભેદજ્ઞાન થતાં આત્મા આત્મામાં ઠર્યો-સ્થિત થયો અને ત્યારે આસ્રવનો નાશ થઈ ગયો; તેને આસ્રવનો સ્વાંગ રંગભૂમિમાંથી નીકળી ગયો એમ કહે છે. ‘યોગ કષાય મિથ્યાત્વ અસંયમ, આસ્રવ દ્રવ્યત આગમ ગાયે’
આ નિમિત્તરૂપ જે દ્રવ્યાસ્રવો છે તે કહ્યા. હવે- ‘રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ જતાયે’
આ પંક્તિમાં ભાવાસ્રવની વાત કહી છે. હવે ત્રીજી પંક્તિમાં કહે છે- ‘જે મુનિરાજ કરૈ ઇનિ પાલ સુરિદ્ધિ સમાજ લયે સિવ થાયે’
જે મુનિરાજ નિજ નિર્મળ વિજ્ઞાનઘન-સ્વભાવમાં ઠરે છે એણે રાગની આડે પાળ બાંધી દીધી છે અને તે આનંદ આદિ અનંતગુણની વૃદ્ધિને પામી મોક્ષમાં જાય છે. અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન જ્યારે આસ્રવને રોકે છે ત્યારે એની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો ઉભરો આવે છે. એ એની રિદ્ધિ ને વૈભવ છે. ‘સમાજ’ એટલે અનંતગુણની પર્યાયમાં વૃદ્ધિ થઈને મોક્ષને પામે છે. છેલ્લી પંક્તિમાં પંડિત શ્રી જયચંદજી કહે છે-
ચિત્તને સ્વરૂપમાં લાવીને કાયા વડે નમન કરું છું; એકલું કાયાથી નમું છું એમ નહિ. આવી તૈયારીવાળા સંતો શિવપદને પામે છે; એમનો જય થયો છે એમ જાણીને એની હું ભાવના ભાવું છું.
આમ શ્રી ભગવાન કુંદકુંદાચાર્ય-રચિત સમયસાર, આસ્રવ અધિકાર પરનાં પરમપૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચન સમાપ્ત થયાં.