રહેતો નથી. આત્મા (ગુરુની સહાય વિના) સીધો પોતાને જાણે છે. અનુભવે છે, ગુરુના આશ્રયે તો નહીં, પણ ગુરુએ જે દેશના કરી અને તેથી જે પરલક્ષી જ્ઞાન થયું તે (પરલક્ષી) જ્ઞાનના આશ્રયે પણ સમ્યગ્દર્શન થતું નથી. શુદ્ધ જ્ઞાયકભાવ-જે છઠ્ઠી ગાથામાં પ્રમત્ત-અપ્રમત્તદશા રહિત કહ્યો છે અને ૧૧મી ગાથામાં જે એકને ભૂતાર્થ કહ્યો છે તે જ્ઞાયકભાવનો આશ્રય એ એક જ ઉપાય છે. એ ભૂતાર્થના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે.
શ્રીમદે કહ્યું છે ને કે- “એ દિવ્ય શક્તિમાન જેથી જંજિરેથી નીકળે.” ભગવાન દિવ્ય શક્તિમાન-અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, ઈત્યાદિ શક્તિઓથી ભરેલો ભગવાન આત્મા જંજિરમાં એટલે કેદમાં છે તેમાંથી મુક્ત થાય. રાગની એકતા અને પરનું અવલંબન એ બધું કેદ છે. શું એના અવલંબને આત્માનું જ્ઞાન થાય? કદી ન થાય. ભગવાન આત્મા ચૈતન્યના તેજથી દિવ્યપણે બિરાજે છે. એને સીધો જ આશ્રય કરી વિશ્વાસમાં-પ્રતીતિમાં લેતાં જ્ઞાન થાય, ત્યારે તે દિવ્ય શક્તિમાન છે એમ જણાય.
એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે-તમે ત્રિકાળી આત્માને કારણ-પરમાત્મા કેમ કહો છો? કારણ હોય તો કાર્ય આવવું જોઈએ ને?
સમાધાનઃ– ત્રિકાળી આત્મા, કારણ-પરમાત્મા, કારણભગવાન, સ્વભાવભાવ, ભૂતાર્થભાવ, જ્ઞાયકભાવ એ બધું એકાર્થવાચક છે. એ કારણ તો કાર્ય આપે જ, પણ કોને? કે જેણે કારણ-પરમાત્માને માન્યો તેને. કારણ વસ્તુ તો છે જ, ચૈતન્યના તેજથી ભરપૂર અને અનંત અનંત શક્તિઓના સામર્થ્ય થી પરિપૂર્ણ ભરેલો ચૈતન્યસૂર્ય ભગવાન આત્મા પ્રકાશમાન તો છે જ, પણ કોને? કે જેને જ્ઞાનની પર્યાયમાં જણાયો તેને. પર્યાય જ્ઞાયકમાં ભળ્યા વિના, પર્યાય પર્યાયપણે રહીને જ્ઞાયકની પ્રતીતિ કરે છે. છઠ્ઠી ગાથામાં આવે છે ને કે ‘તે જ (જ્ઞાયકભાવ) સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ” કહેવાય છે. જ્ઞાયકભાવ તો શુદ્ધ જ છે, પણ સ્વસન્મુખ થઈને જે ‘શુદ્ધ’ ની જ્ઞાન અને પ્રતીતિ કરે છે તેને તે ‘શુદ્ધ’ છે એમ જણાય છે. અરે ખેદ છે કે જે છતી ચીજ છે એને નથી એમ કહે છે અને રાગ અને અલ્પજ્ઞ પર્યાય તે હું એમ જાણતો પોતાને કેદમાં નાખી દીધો છે!
કળશટીકામાં (આ શ્લોકના અર્થમાં) અજ્ઞાનીને ભેદથી સમજાવવાની વાત લીધી છે. અજ્ઞાનીને ગુણ-ગુણીના ભેદરૂપ કથન દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવે છે. જેમકે જીવનું લક્ષણ ચેતના એમ કહીને આત્મા સમજાવે છે.