Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1825 of 4199

 

૩૬૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ વડે), [परितः विभागं कृत्वा] ચોતરફથી વિભાગ કરીને (-સમસ્ત પ્રકારે બન્નેને જુદાં કરીને- ), [इदं निर्मलम् भेदज्ञानम् उदेति] આ નિર્મળ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે; [अधुना] માટે હવે [एकम् शुद्ध–ज्ञानघन–ओधम् अध्यासिताः] એક શુદ્ધ વિજ્ઞાનઘનના પુંજમાં સ્થિત અને [द्वितीय–च्युताः] બીજાથી એટલે રાગથી રહિત એવા [सन्तः] હે સત્પુરુષો! [मोदध्वम्] તમે મુદિત થાઓ.

ભાવાર્થઃ– જ્ઞાન તો ચેતનાસ્વરૂપ છે અને રાગાદિક પુદ્ગલવિકાર હોવાથી જડ છે;

પરંતુ અજ્ઞાનથી, જાણે કે જ્ઞાન પણ રાગાદિરૂપ થઇ ગયું હોય એમ ભાસે છે અર્થાત્ જ્ઞાન અને રાગાદિક બન્ને એકરૂપ-જડરૂપ-ભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા-આકુળતારૂપ સંકલ્પવિકલ્પ-ભાસે છે તે સર્વ પુદ્ગલવિકાર છે, જડ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે અર્થાત્ અનુભવ થાય છે. જ્યારે આવું ભેદજ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે કારણ કે તેને જણાય છે કે “પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે, રાગાદિરૂપ કદી થયો નથી”. માટે આચાર્યમહારાજે કહ્યું છે કે “હે સત્પુરુષો! હવે તમે મુદિત થાઓ”. ૧૨૬.

* * *
સંવર અધિકાર

‘‘મોહરાગરુષ દૂર કરી, સમિતિ ગુપ્તિ વ્રત પાળી;
સંવરમય આત્મા કર્યો, નમું તેહ, મન ધારી.’’

શરૂઆતમાં પંડિત જયચંદજી માંગલિક કરે છે-કે મોહ અર્થાત્ મિથ્યાત્વ, રાગ અને દ્વેષને દૂર કરીને તથા નિશ્ચય સમિતિ, નિશ્ચય ગુપ્તિ અને નિશ્ચય વ્રત પાળીને જેણે આત્માને સંવરમય એટલે ચૈતન્યની નિર્મળ પરિણતિરૂપ કર્યો છે તેને મનમાં (-જ્ઞાનમાં) લક્ષમાં લઈને નમન કરું છું. જેણે પરમાત્મપદ ગ્રહણ કર્યું અને પોતાના આત્માને પવિત્ર સંવરમય કર્યો તેને મનમાં ધારણ કરીને નમું છું એમ કહે છે.

આ ભેદજ્ઞાનનો અલૌકિક અધિકાર છે. આ અધિકારની શરૂઆત કરતાં કળશ ટીકાકાર શ્રી રાજમલજીએ પ્રથમ ‘ૐ નમઃ’ કરી અધિકાર શરૂ કર્યો છે. રાગથી ભિન્નત્વ અને સ્વભાવમાં એકત્વ સ્થાપિત કરતું જે ભેદજ્ઞાન તેનો વિસ્તાર કરતા અધિકારમાં ‘ૐ નમઃ’ પ્રથમ કર્યું. શાસ્ત્રના બીજા અધિકારમાં આ શબ્દ નથી. હવે-

પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે ‘‘હવે સંવર પ્રવેશ કરે છે.’’ આસ્રવ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા પછી હવે સંવર રંગભૂમિમાં પ્રવેશે છે.