સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૬પ
ત્યાં પ્રથમ તો ટીકાકાર આચાર્યદેવ સર્વ સ્વાંગને જાણનારા સમ્યગ્જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છેઃ-
જુઓ તો ખરા આ કેવું માંગળિક કર્યું છે! કહે છે-‘आसंसार–विरोधि–संवर–जय– एकान्त–अवलिप्त–आस्रव–न्यक्कारात्’ અનાદિ સંસારથી માંડીને પોતાના વિરોધી સંવરને જીતવાથી જે એકાંત-ગર્વિત થયો છે એવો જે આસ્રવ તેનો તિરસ્કાર કરવાથી...
જુઓ, અનાદિથી મિથ્યાત્વ અને રાગદ્વેષે સંવરને ઉત્પન્ન થવા દીધો નથી તેથી આસ્રવને ગર્વ થયો છે કે-અનાદિકાળથી (નિગોદથી માંડીને) મેં મોટા મોટા માંધાતાઓને નીચે પાડયા છે. મોટાં રાજપાટ અને હજારો રાણીઓ છોડી જૈનનો દ્રવ્યલિંગી દિગંબર સાધુ થઈ જંગલમાં રહ્યો એવા માંધાતાઓને પણ મેં (-આસ્રવે) પછાડયા છે-જીતી લીધા છે. દ્રવ્યલિંગી મુનિએ પંચમહાવ્રત, ગુપ્તિ, સમિતિ ઇત્યાદિ બધો જે રાગ છે તેના પ્રેમમાં સંવરને ઉત્પન્ન થવા ન દીધો એટલે ત્યાં આસ્રવનો જય થયો. દ્રવ્યલિંગી મુનિ પંચમહાવ્રત આદિ રાગની ક્રિયામાં સંતુષ્ટ થઈ મને સંવર થાય છે એમ આસ્રવની ક્રિયામાં સંવર માની એમાં ગર્વિત થયો અને પડયો; સંવર થયો નહિ તો આસ્રવ જીત્યો.
આમ અનાદિકાળથી જે એકાંત-ગર્વિત થયો છે એવા આસ્રવનો તિરસ્કાર કરવાથી ‘प्रतिलब्ध–नित्य–विजयं संवरं’ જેણે સદા વિજય મેળવ્યો છે એવા સંવરને ‘सम्पादयत्’ ઉત્પન્ન કરતી, ‘पररूपतः व्यावृत्तं’ પરરૂપથી જુદી ‘ज्योतिः’ જ્યોતિ ‘उज्जृम्भत’ પ્રગટ થાય છે, ફેલાય છે.
અહીં એમ કહે છે કે-આસ્રવનો નાશ કરી જે સંવર પ્રગટ થયો તે હવે મોક્ષદશા પ્રગટ થાય ત્યાં સુધી પાછો હઠવાનો નથી એવો વિજય સંવરે પ્રાપ્ત કર્યો છે. રાગથી પૃથક્ થઈ જે એણે આસ્રવને જીત્યો તે જીવ સદાય રહેશે એમ આ પંચમઆરાના મુનિવર કહે છે. અમારો ભગવાન જે આનંદનો નાથ એને અમે પકડયો છે અને તેને અનુભવીને અમે જે સંવર પ્રગટ કર્યો છે તે હવે પડશે નહિ; દ્રવ્ય પડે તો સંવર પડે. (દ્રવ્ય અવિનાશી છે તેથી સંવર હવે પડશે નહિ). અમોએ હવે શાશ્વત વિજય મેળવ્યો છે, હવે અમને આસ્રવ ઉત્પન્ન થશે નહિ.
આમ તો સમ્યગ્દર્શન પામીને કોઈ જીવ પડે છે એમ આસ્રવ અધિકારની ટીકામાં આવી ગયું છે. પણ અમે પડવાના નથી એમ અપ્રતિહત ઉપાડથી અહીં વાત કરી છે. બેનશ્રીના જાતિસ્મરણજ્ઞાનમાં આવ્યું છે ને? ક્ષાયિકના બે પ્રકાર છે-એમ સીધું ક્ષાયિક અને બીજું જોડણી ક્ષાયિક; એટલે વર્તમાનમાં ક્ષાયિક સમકિત નથી પણ એ ક્ષયોપશમ સમકિત ક્ષાયિકમાં જ જવાનું, પડવાનું નહિ. અહીં એ શૈલી છે. જોડણી ક્ષાયિક છે તો