Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1830 of 4199

 

સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૬૯ (ચૈતન્યપ્રકાશ પ્રગટયો તે પહેલાં) રાગ મંદ હતો એનાથી ઉદય પામે છે એમ નથી. સમજાણું કાંઈ...?

સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ઃ મથાળુ

ત્યાં (સંવર અધિકારની) શરૂઆતમાં જ (ભગવાન કુંદકુંદાચાર્ય) સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદવિજ્ઞાન તેની પ્રશંસા કરે છે. ભેદવિજ્ઞાન સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય છે. સમયસાર નાટકમાં આવે છે ને કે-

‘‘ભેદજ્ઞાન સાબુ ભયો, સમરસ નિરમલ નીર;
ધોબી અંતર આતમા ધોવૈ નિજગુન ચીર.’’

* ગાથા ૧૮૧ થી ૧૮૩ઃ ટીકા ઉપરનું પ્રવચન *

અધિકાર સૂક્ષ્મ છે. ધ્યાન દઈને સાંભળે તો સમજાય તેવો છે. શું કહે છે? ‘ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (અર્થાત્ એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી).’

જુઓ, ખરેખર એટલે યથાર્થ દ્રષ્ટિથી જોઈએ તો એક વસ્તુની બીજી વસ્તુ છે નહિ. આ આત્મા જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદમય વસ્તુ છે અને દયા, દાન, વ્રતાદિના પરિણામ આસ્રવ તત્ત્વ છે. અહીં કહે છે-એ આસ્રવ તત્ત્વ આત્મતત્ત્વનું નથી. ‘खलु’ એમ કહ્યું છે ને? એટલે કે વાસ્તવિકપણે એક વસ્તુની બીજી વસ્તુ નથી. રાગના પરિણામ આત્માના નહિ અને આત્મા રાગનો નહિ. ભાઈ! જેને સંવર નામ ધર્મ પ્રગટ કરવો હોય, ધર્મની પ્રથમ સીડી એવું સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય એના માટે આ વાત છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ - ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’ એવું જે પોતાનું સ્વરૂપ એ પુણ્ય-પાપના ભાવનો થતો નથી. અહાહા...! આ તો ગજબ ટીકા છે!

એક વસ્તુ બીજી વસ્તુની કાંઈ પણ સંબંધી નથી અને એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ પણ સંબંધી નથી. ગજબ વાત! ભગવાન આત્મા સહજાનંદસ્વરૂપી સદા પરમ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. અહીં કહે છે-દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ ભગવાન આત્માના (સંબંધી) થતા નથી અને આત્મા એ શુભભાવમાં આવતો નથી. આવું અંદર ભેદવિજ્ઞાન કરવું એનું નામ સમ્યગ્દર્શન છે. પુણ્ય-પાપના પરિણામ એ આત્માની ચીજ નથી કેમકે એ તો આસ્રવ તત્ત્વ છે જ્યારે આત્મા જ્ઞાયક તત્ત્વ સિદ્ધસ્વભાવી છે. બે ચીજ ભિન્ન ભિન્ન છે. આત્મામાં આસ્રવ નહિ અને આસ્રવમાં આત્મા નહિ.