૩૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
પાઠમાં શબ્દ છે કે-‘ઉપયોગમાં ઉપયોગ છે.’ ઉપયોગમાં ક્રોધ નથી. ‘ઉપયોગમાં ઉપયોગ છે એટલે કે રાગથી ભિન્ન પડી જે જાણવા-દેખવાનું (જ્ઞાનમય) પરિણમન થયું એમાં ઉપયોગ એટલે આત્મા છે. જાણનક્રિયા એ જ્ઞાનનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ જ જાણનક્રિયા છે. અહીં આત્માના આધારે જાણનક્રિયા છે એમ ન લીધું કેમકે અહીં એમ બતાવવું છે કે રાગથી ભિન્ન પડી જે જાણનક્રિયા થઈ એમાં ‘આ આત્મા છે’ એમ આત્મા જણાયો. માટે જાણનક્રિયા તે આધાર અને આત્મા આધેય એમ અહીં લીધું છે. અધિકાર ખૂબ ઝીણો છે; એકલું માખણ છે.
‘ઉપયોગમાં ઉપયોગ છે’ એટલે રાગથી ભિન્ન પડીને જે ભેદવિજ્ઞાન કર્યું તે જાણનક્રિયામાં આત્મા છે અર્થાત્ જાણનક્રિયામાં આત્મા જણાય છે. જાણનક્રિયામાં આત્મા છે, એમાં રાગ નથી અને રાગમાં આત્મા નથી.
ભાઈ! આ તો જન્મ-મરણની ગાંઠ ગાળવાની વાત છે. સંસારનાં પાપ તો અનંતવાર કર્યાં અને પુણ્ય પણ અનંતવાર કર્યાં. એક નરકના ભવ સામે અસંખ્ય સ્વર્ગના ભવ-એ રીતે અનંતા નરકના અને એનાથી અસંખ્યગુણા અનંતા સ્વર્ગના ભવ કર્યા. જે પુણ્યના ફળમાં સ્વર્ગના ભવ થયા તે પુણ્યના પરિણામ આત્મામાં નથી. વ્યવહારરત્નત્રયનો વિકલ્પ જે પુણ્ય છે તે આત્મામાં નથી અને આત્મા એ વ્યવહારરત્નત્રયમાં-પુણ્યમાં નથી. ભાઈ! પુણ્યથી આત્મા જણાય એવી વસ્તુ આત્મા નથી. રાગથી-પુણ્યથી ભિન્ન પડી, જ્ઞાનની પરિણતિમાં આત્માને લક્ષમાં લેતાં, તેમાં (જાણનક્રિયામાં) આત્મા જણાય છે.
રાગ છે તે જડમાં-અજીવમાં જાય છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર ભણવાનો વિકલ્પ કે પંચમહાવ્રતાદિના પરિણામ એ બધા જડમાં જાય છે. આત્માના આધારમાં એ જડ છે નહિ; તેમ આત્માના આધારે એ જડ થાય છે એમ પણ નહિ. ભાઈ! વ્યવહારરત્નત્રયના વિકલ્પ આત્માના આધારે થાય છે એમ નથી, તેમ રાગના આધારે આત્મા જણાય છે એમ પણ નથી. જેમ જડ પુદ્ગલ અને આત્મા જુદા છે એમ આસ્રવ અને આત્મા જુદા છે. સાત તત્ત્વમાં ભગવાને આસ્રવતત્ત્વ અને જીવતત્ત્વ ભિન્ન ભિન્ન કહ્યાં છે. માટે જેને ભેદજ્ઞાન કરવું હોય તેણે રાગનો આશ્રય છોડીને જ્ઞાયકસ્વભાવનો આશ્રય લેવો જોઈએ.
ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. માટે આત્મા જાણનક્રિયાના આધારે જણાય અને રાગ રાગના આધારે થાય, રાગ આત્માના આધારે ન થાય. વ્યવહારરત્નત્રયનો રાગ આત્માના આધારે ન થાય, એને પરનો-નિમિત્તનો આધાર-આશ્રય છે. એનું વલણ પર તરફ છે.
વ્યવહારરત્નત્રય કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ કોઈ માને તો તે યથાર્થ નથી.