Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1834 of 4199

 

સમયસાર ગાથા ૧૮૧ થી ૧૮૩ ] [ ૩૭૩ પોતાના સ્વરૂપભૂત જે જાણનક્રિયા તેમાં પ્રતિષ્ઠારૂપ-દ્રઢપણે રહેવારૂપ આધારઆધેય સંબંધ છે પણ રાગમાં રહેવારૂપ આધારઆધેય સંબંધ નથી જ.

આવી વાત! ભાઈ! આ તો કોલેજ જ જુદી જાતની છે. આ તો જન્મ-મરણથી રહિત થવાના અભ્યાસની કોલેજ છે. ભાઈ! તને પુણ્ય-પરિણામ મારા એવી માન્યતારૂપ મિથ્યાત્વનો મહારોગ થયો છે. શ્રીમદે કહ્યું છે ને કે-

‘‘આત્મભ્રાન્તિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.’’

રાગ ને આત્મા ભિન્ન ભિન્ન ચીજ છે. જે ભિન્ન છે એવા રાગથી આત્માને લાભ માને અને એનું પોતાને કર્તાપણું માને એ મિથ્યાત્વભાવ છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપને છોડી જે શુભરાગનો કર્તા થાય તે મિથ્યાદ્રષ્ટિ છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યના ભાનપૂર્વક રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન કર્યું એવો જ્ઞાની, રાગ હો ભલે પણ રાગનો કર્તા થતો નથી. અહાહા...! રાગમાં આત્મા નહિ અને આત્મામાં રાગ નહિ એવો આત્મા તો સદા સર્વજ્ઞસ્વરૂપ છે-જાણે સૌને પણ કરે કોઈને નહિ એવું એનું સ્વરૂપ છે.

લોકોને તો આ વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો-એમ કરો કરો એ જ જાણે ધર્મ છે. અરે ભાઈ! એવું તો તેં અનંતવાર કર્યું છે, અભવી પણ કરે છે. છહઢાળામાં આવે છે ને કે-

‘‘મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.’’

સાંભળને ભાઈ! એ પંચ મહાવ્રત અને અટ્ઠાવીસ મૂલગુણના પાલનનો રાગ એ દુઃખ છે, આસ્રવ છે. એવા રાગની ક્રિયા તો અનંતવાર કરી, પણ રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પોતે છે એવું જ્ઞાન-ભેદવિજ્ઞાન કદી કર્યું નહિ. ભેદજ્ઞાન વિના, સમ્યગ્દર્શન વિના સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર હોતાં નથી.

જ્ઞાન અને આનંદની પરિણતિથી આનંદનો નાથ ભગવાન જણાય છે. આનંદનું અને દુઃખનું સ્વરૂપ તદ્ન ભિન્ન ભિન્ન છે. પ્રભુ! તને આ શું થયું? તારો નાથ તો અંદર નિર્મળાનંદ સચ્ચિદાનંદ પ્રભુ બિરાજે છે. જાણનક્રિયા એ એનું સ્વરૂપ છે; જાણનક્રિયામાં એ જણાય છે. રાગ-આસ્રવ એનું સ્વરૂપ નથી, રાગ-આસ્રવથી એ જણાતો નથી. રાગ તો જડસ્વરૂપ છે. પંચમહાવ્રતના પરિણામ પણ રાગ છે તેથી જડ છે, દુઃખ છે, અજીવ છે. આત્માથી એનું લક્ષણ તદ્ન ભિન્ન છે, એના પ્રદેશ જુદા, તેથી એનું હોવાપણું જુદું છે. રાગને અને આત્માને આધારઆધેય સંબંધ નથી. રાગનો આધારઆધેય સંબંધ પણ જુદો છે.