૩૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
અહા...! પાંચ-પચાસ લાખ રૂપિયા મળે એટલે જાણે હું પહોળો અને શેરી સાંકડી એમ એને થઈ જાય છે. પણ ભાઈ! એ તો પર ચીજ છે ને નાથ! જ્યારે રાગને પર ચીજ કહી ત્યાં શરીર અને પૈસા પોતાની ચીજ કયાંથી થઈ? આ વ્યવહારરત્નત્રયના રાગને પણ અહીં પર ચીજ કહી છે. બાપુ! તને સાંભળવું આકરું લાગે પણ સત્ય તો આ છે ભાઈ! સત્યને સંખ્યાની જરૂર નથી; ઝાઝા માનનાર હોય તો એ સત્ય એમ નથી. સત્ય સત્યપણે જણાયું પછી ભલે તે એકલો જ હોય, પોતે જ સત્ય છે.
આનંદનો સાગર મીઠો મહેરામણ અંદર પ્રભુ પડયો છે. તે એની શુદ્ધ પરિણતિમાં જણાય એવો છે. તેથી અહીં શુદ્ધ પરિણતિને આધાર અને આત્માને આધેય કહ્યો છે. વસ્તુ સદા પરમાત્મસ્વરૂપ જ છે; પણ એ પરમાત્મસ્વરૂપ એના જ્ઞાનમાં આવે ત્યારે પરમાત્મસ્વરૂપ કહેવાય ને? આ સિવાય વ્રત કરે ને ભક્તિ કરે ને સમ્મેદશિખરની જાત્રા કરે-એ બધું કાંઈ નથી. સાક્ષાત્ ત્રણલોકના નાથ સમોસરણમાં બિરાજમાન હોય એનાં દર્શન-ભક્તિ કરે તોય એ કાંઈ નથી. એ તો શુભરાગ છે અને એ રાગ અને આત્મા તદ્ન ભિન્ન ભિન્ન છે.
પુરુષાર્થસિદ્ધયુપાય નામના શાસ્ત્રમાં જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય એ પણ હિંસા અને અપરાધ છે એમ કહ્યું છે. તીર્થંકર ગોત્ર બાંધ્યું એને બે ભવ વધી ગયા. ભાઈ! અમૃતના નાથને શરીર મળે એ તો કલંક છે. ભાઈ! માર્ગ તો આ છે. એકાન્ત છે એમ કહીને એને તું ના ન પાડ ભાઈ! આ તો સમ્યક્ એકાન્ત છે.
ભગવાન! તારી ચીજ કેવી છે અને તે કેમ જાણાય એની તને ખબર નથી. તારી ચીજમાં તો આનંદ, આનંદ, આનંદ ભર્યો છે, અને તે જ્ઞાનની-જાણનક્રિયાની નિર્મળ પરિણતિમાં જણાય છે. એ આનંદરૂપ ચીજમાં આસ્રવના પરિણામ થાય એ દુઃખરૂપ છે. હવે આવી વાત કોઈ દિ’ સાંભળવા મળી ન હોય એટલે રાડ પાડે કે આ નિશ્ચયની વાત છે, નિશ્ચયની વાત છે; પણ ભાઈ! નિશ્ચય એટલે જ સત્ય, નિશ્ચય નામ યથાર્થ, વાસ્તવિક, નિરુપચાર સત્યાર્થ વસ્તુ.
મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર, ભગવાન બિરાજે છે. પ્રભુનું કરોડ પૂર્વનું આયુષ્ય છે. સંવત્ ૪૯ માં શ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રભુ પાસે ગયા હતા અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી શું લાવ્યા? તો આ સંદેશો લાવ્યા કે-રાગ આત્માનો નથી અને આત્મા રાગનો નથી. આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો ભંડાર છે અને રાગ દુઃખનો ભંડાર છે. આચાર્ય ભગવંતોએ ગાથામાં અને ટીકામાં જે કહ્યું છે તેનું આ સ્પષ્ટીકરણ ચાલે છે. છેલ્લે તો એમ કહેશે કે- ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ છે અને દયા, દાન આદિના ભાવ, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ ઇત્યાદિ અજ્ઞાન છે અર્થાત્ એમાં જ્ઞાન નથી. રાગમાં જ્ઞાન નથી એ કારણે તે અજ્ઞાન છે, અહીં અજ્ઞાન એટલે મિથ્યાત્વ