સમયસાર ગાથા ૧૮૪-૧૮પ ] [ ૩૯૭ અહા! આવા પ્રચંડ કર્મોદય વડે ઘેરાયેલા હોવા છતાં તે મહામુનિઓ-ભાવલિંગી સંતો આનંદમાં મગ્ન રહ્યા. તે કાળે પણ જ્ઞાને જ્ઞાનત્વ છોડયું નહિ. ત્રણ પાંડવો તો (એવા પ્રસંગે પણ શ્રેણી માંડીને) કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. નકુળ અને સહદેવને, અરે! સાધર્મી મોટાભાઈઓને કેમ હશે-એવો શુભ વિકલ્પ આવ્યો તો એના ફળમાં એમને સર્વાર્થસિદ્ધિનું આયુષ્ય બંધાઈ ગયું અને દેવગતિને પામ્યા. અહા! કેવળજ્ઞાન તેત્રીસ સાગરોપમથી કાંઈક અધિક દૂર થઈ ગયું કેમકે ફરીને મનુષ્યપણે જન્મ્યા પછી પણ આઠ વર્ષ પહેલાં કેવળજ્ઞાન નહિ થાય.
કોઈને થાય કે -અરે! પાંડવો -ધર્માત્માઓને પણ આવા પ્રસંગો!
ભાઈ! કર્મના ઉદયની સામગ્રી એના કાળે સ્વયં ઉદયમાં આવે તેને કોણ રોકે?
ત્યારે પ્રશ્ન થાય કે કોઈ દેવ કેમ વહારે ન આવ્યા? શું દેવને પણ ખબર ન પડી?
દેવને ખબર પડે તોય આ જીવનો પુણ્યનો ઉદય હોય ત્યારે આવે ને? દેવને પણ જ્યારે તીવ્ર કષાય હોય ત્યારે ખબર પડતી નથી (ઉપયોગ એમાં જતો નથી) અને મંદ કષાય હોય અને ખ્યાલમાં આવે તોપણ તે પ્રકારની શક્તિ ન હોય તો શું કરે? મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ વાત લીધી છે. દેવ પણ કાંઈ ન કરે. (ભવિતવ્ય કોઈ ન નિવારી શકે).
શાસ્ત્રમાં બીજું દ્રષ્ટાંત બંધક આદિ પાંચસો મુનિઓનું આવે છે. બંધક આદિ પાંચસો મુનિઓ હતા. એક વખત મુનિ રાજાની રાણી સાથે વાત કરતા હશે તો કોઈએ રાજાને ભરમાવ્યું કે મુનિઓ આવા જ (વ્યભિચારી) છે. તેથી રાજાને શંકા પડી-વહેમ પડયો. રાજાએ હુકમ કર્યો કે બધા મુનિઓને ઘાણીમાં પીલો. આવા ભારે ઉપસર્ગના પ્રસંગમાં પણ મુનિવરો અતીન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદનમાં ઝૂલતા હતા; તે કાળે પણ જ્ઞાન ધીર થઈને જ્ઞાનપણે કાયમ અવિચલ રહ્યું.
વળી સીતાજીની પણ વાત આવે છે ને? ભગવાન રામચંદ્ર તદ્ભવ મોક્ષગામી ચરમ શરીરી ધર્માત્મા હતા. સીતાજી રાવણને ત્યાં રહેલા અને રામચંદ્રે સ્વીકાર્યાં એવો લોકાપવાદ થતાં ધર્માત્મા અને સાધર્મી સીતાજીને પોતાના શીલની પરીક્ષા આપવા ધગધગતા અગ્નિકુંડમાં પ્રવેશ કરવા રામચંદ્રે આજ્ઞા કરી. સીતાજી અગ્નિપરીક્ષામાં ઉતરતાં પહેલાં અગ્નિને કહે છે-હે અગ્નિ! જો મેં રામ સિવાય પતિ તરીકે કોઈ બીજાનો વિકલ્પ કર્યો હોય તો મને ભસ્મ કરી દે; હા, પણ જો બીજાનો વિકલ્પ ન આવ્યો હોય તો ધ્યાન રાખજે, અન્યથા જગતમાં હાંસી થશે. તે વેળા સીતાજીનો પુણ્યનો ઉદય હતો એટલે સિંહાસન રચાઈ ગયું અને કસોટીમાં પાર ઉતર્યાં જુઓ, આ ધર્માત્મા! આવા વિષય પ્રસંગે પણ સીતાજીએ જ્ઞાનત્વ ન છોડયું. અહો જ્ઞાન! અહો ભેદજ્ઞાન!