૩૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
જોયું? જેને ભેદવિજ્ઞાન થયું છે અર્થાત્ રાગથી ભિન્ન પડીને શુદ્ધ આત્માનો જેને અનુભવ થયો છે તે જ એ ભેદવિજ્ઞાનના સદ્ભાવથી જ્ઞાની થયો છે; રાગ કે વ્યવહારરત્નત્રયને લઈને જ્ઞાની થયો છે એમ નથી.
પ્રવચનસાર ગાથા ૨૩૬ માં આવે છે કે જે કાયા ને કષાયને પોતાના માનનારો છે તે છકાયના જીવનો ઘાતી-હિંસક અને પાંચ ઇન્દ્રિયોના વિષયોનો અભિલાષી છે. અહાહા...! નગ્ન દિગંબર મુનિ થયો હોય તોપણ જેની માન્યતા છે કે શરીરની ક્રિયા મારી છે અને વ્રતાદિનો રાગ મારું કર્તવ્ય છે તે એકેન્દ્રિય જીવોને ન હણતો હોવા છતાં છકાયનો હિંસક છે અને ઇન્દ્રિયના વિષયોનો અભિલાષી છે. ગંભીર વાત છે પ્રભો! કાય એટલે અજીવ અને કષાય એટલે આસ્રવ-એ બન્નેને જે પોતાના માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
ત્યારે કોઈ કહે છે-નિરર્ગલ પાપમાં રચ્યાપચ્યા છે એમને બિચારાઓને કાંઈક પુણ્ય તો કરવા દો; ધર્મ તો પછી (એ વડે) થશે.
અરે ભાઈ! પુણ્ય હું કરું, પુણ્ય મારું કર્તવ્ય એવી જે માન્યતા તે મહા મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ એ શું પાપ નથી? મિથ્યાત્વ એ જ મહાપાપ છે અને મિથ્યાત્વને વશ થઈને જ જીવ પાપ કરે છે.
અષ્ટપાહુડમાં દર્શનપાહુડની ત્રીજી ગાથામાં સ્પષ્ટ કહ્યું છે કે-જે જીવ દર્શનથી ભ્રષ્ટ છે તે મુક્તિને પામતો નથી; જે જીવ દર્શનથી ભ્રષ્ટ છે તે જ્ઞાનથી અને ચારિત્રથી પણ ભ્રષ્ટ છે; તે ભ્રષ્ટમાં ભ્રષ્ટ છે. તથા જેને દર્શનશુદ્ધિ છે પણ ચારિત્ર નથી તે મુક્તિને પામશે; હમણાં ચારિત્રરહિત છે પણ દર્શનશુદ્ધિના બળે તે ચારિત્રને પ્રાપ્ત થઈને સીઝશે-મુક્તિને પામશે. આવી વાત છે. ભાઈ! વ્રત, તપ, ભક્તિ આદિના રાગથી મને લાભ (આત્મલાભ) થશે એમ માની જે પ્રવર્તે છે તે મૂઢ મહાભ્રષ્ટ-સર્વભ્રષ્ટ મિથ્યાદ્રષ્ટિ છે. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-જીવ ભેદજ્ઞાનના સદ્ભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છેઃ-‘જેમ પ્રચંડ અગ્નિ વડે તપ્ત થયું થકું પણ સુવર્ણ સુવર્ણત્વ છોડતું નથી તેમ પ્રચંડ કર્મોદય વડે ઘેરાયું થકું પણ જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી.’
જયસેનાચાર્યદેવની ટીકામાં આ સમજવા પાંડવ આદિનું દ્રષ્ટાંત આપેલું છે.
પાંચ પાંડવો પૂર્વે રાજકુમાર હતા અને પાછળથી જેઓ મહામુનિ થયા તેઓનું નાજુક સુંદર શરીર હતું. એક વાર શત્રુંજય પર્વત પર ધર્માત્માઓ બધા આત્માના અતિ પ્રચુર આનંદના વેદનમાં સુખ નિમગ્ન હતા ત્યારે દુર્યોધનનો ભાણેજ ત્યાં આવ્યો અને પૂર્વનું વેર યાદ કરીને લોખંડનાં ધગધગતાં કડાં વગેરે તેમના શરીર પર પહેરાવ્યાં.