Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1863 of 4199

 

૪૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ નથી. જ્ઞાનીને એવાં અજ્ઞાનમય સુખ-દુઃખ હોતાં નથી કેમકે ભેદજ્ઞાનના બળે તે રાગી-દ્વેષી થતો નથી.

અહાહા...! ભગવાન આત્મા અકષાયસ્વભાવનો-શાંતરસનો પિંડ છે. ભક્તામર સ્તોત્રમાં આવે છે કે-ભગવાન! જેમ આપ પરમ શાંતરસે પરિણમ્યા છો તેમ આપનો દેહ પણ જાણે અકષાય શાંતિનું બિંબ હોય તેમ ઠરી ગયેલું જણાય છે. ભગવાન! જાણે જગતમાં જેટલા શાંત-શાંત ભાવે પરિણમનારા પરમાણુઓ છે તે તમામ આપના ઔદારિક શરીરરૂપે પરિણમી ગયા છે. આપનું બિંબ આપની પરમ શાંત વીતરાગરસે પરિણમેલી પરિણતિને જાહેર કરે છે. ભક્તિમાં આવે છે ને કે-‘ઉપશમરસ વરસે રે પ્રભુ તારા નયનમાં;’ અહાહા...! ભગવાનની પરિણતિ જાણે એકલી અકષાય શાંતરસનું -આનંદરસનું ઢીમ. જેમ બરફની પાટ શીતળ- શીતળ-શીતળ હોય છે તેમ ભગવાનની પરિણતિ એકલી શાંત-શાંત-શાંત હોય છે. આવી શાન્તિ ભેદજ્ઞાનકલા વડે પ્રગટ થાય છે. વસ્તુ તો પરમ શાન્તસ્વભાવી છે અને તે ભેદવિજ્ઞાન થતાં પ્રગટ થાય છે. આવી વાત છે.

પરના લક્ષે જે રાગ થાય છે તેનો સ્વામી ભેદજ્ઞાની આત્મા થતો નથી. ધર્મજિનેશ્વરના સ્તવનમાં આવે છે કે-

‘ધર્મ જિનેશ્વર ગાશું રંગ શું, ભંગ ન પડશો હો પ્રીત જિનેશ્વર;
બીજો મનમંદિર નહિ આણું, એ અમ કુળવટ રીત જિનેશ્વર.’

ભગવાન! એક વીતરાગ! (પોતાનો જ્ઞાયકદેવ) સિવાય મનમંદિરમાં બીજાને (- રાગને) આવવા નહિ દઉં. આ અમારી-અનંત કેવળીઓ અને તીર્થંકરોના કુળની રીત-કુળવટ છે.

શ્રીમદ્ રાજચંદ્રજી જ્ઞાની થઈ ગયા. તેઓ એક ભવે મોક્ષ જશે. તેમણે કહ્યું છે કે-‘દેહ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે.’ શ્રીમદ્ને મોટો ઝવેરાતનો ધંધો હતો. પરંતુ એ તો બધી એમને મન જડની ક્રિયા હતી. અંદરથી (અભિપ્રાયમાં) તો તેઓ રાગથી ભિન્ન પડી ગયેલા હતા. અહો! ભેદજ્ઞાની જીવોનું અંતરંગ કોઈ પારલૌકિક હોય છે.

ભાઈ! બધાનો સરવાળો આ છે કે-ભેદજ્ઞાનથી જ શુદ્ધ આત્માનો અનુભવ થાય છે, રાગ અને વ્યવહાર કરતાં કરતાં નહિ. ભાઈ! આ સમજવામાં તારું હિત છે હોં; શરીર અત્યારે જુવાન સશક્ત હોય, કંઈક ભણી-ગણીને પંડિત થયો હોય, બોલતાં સારું આવડતું હોય અને બહારમાં કાંઈક આબરૂ હોય એટલે રોફમાં (મિથ્યાગર્વમાં) આવી જાય પણ જુવાની પીંખાઈ જશે બાપુ! અને બહારની પંડિતાઈ આત્માના અનુભવના કામમાં ખપ નહિ લાગે. રાગથી ભિન્ન પડીને ભેદવિજ્ઞાન પ્રગટ કરવાથી જ આત્માનુભવનું કાર્ય થશે, રાગને સાથે રાખીને (- સ્વામિત્વ રાખીને) એ કામ નહિ થાય. આવું જ વસ્તુસ્વરૂપ છે.