સમયસાર ગાથા ૧૮૪-૧૮પ ] [ ૪૦૩
‘જેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે-‘‘આત્મા કદી જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી.’’ જ્યારે જ્ઞાનસ્વરૂપી આત્માનો અનુભવ થયો ત્યારે જાણ્યું કે આત્મા રાગસ્વરૂપ થયો જ નથી; એ તો સદાય જ્ઞાનસ્વભાવે જ રહેલો છે. અરે ભાઈ! જો આત્મા શુભાશુભ રાગના સ્વભાવે થઈ જાય તો ભિન્ન આત્માનું જ્ઞાન કયાંથી થાય? એક સમય પણ જો આત્મા જ્ઞાનસ્વભાવને છોડી રાગસ્વભાવે-જડસ્વભાવે થઈ જાય તો આત્મજ્ઞાન થાય જ નહિ. આત્મા તો અનાદિથી રાગરહિત શુદ્ધ જ છે. અજ્ઞાની, હું રાગરૂપ છું એમ માને છે તેથી પર્યાયમાં રાગાદિ અશુદ્ધતા છે. પર્યાયમાં અશુદ્ધતા છે પણ વસ્તુ આખી કયાં તે-રૂપ થઈ ગઈ છે? પર્યાયદ્રષ્ટિ છૂટી વસ્તુદ્રષ્ટિ થતાં જ વસ્તુમાં અશુદ્ધતા છે નહિ એવું યથાર્થ ભાન થાય છે. સમયસાર ગાથા ૬ માં કહ્યું છે કે-જ્ઞાયક જ્ઞાયક જ છે, પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત પણ નથી. વળી ત્યાં (સમયસારમાં) ગાથા ૩૪ માં પણ આવે છે કે-જ્ઞાનસ્વભાવથી પોતે (આત્મા) છૂટયો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવ કરવો.
હવે કહે છે-‘આવું જાણતો હોવાથી તે, કર્મના ઉદય વડે તપ્ત થયો થકો પણ, રાગી, દ્વેષી, મોહી થતો નથી પરંતુ નિરંતર શુદ્ધ આત્માને અનુભવે છે.’
જુઓ, રાવણ સાથેના યુદ્ધમાં રાવણની વિદ્યાથી લક્ષ્મણ વાસુદેવ મૂર્છિત થઈ પડયા. રામચંદ્રજીને તે કાળે એમ થયું કે આ શું થઈ ગયું? સીતાજીને રાવણ લઈ ગયો, ભાઈ પણ ગયો; આવ્યા ત્યારે ત્રણ સાથે હતા અને જતાં હું એકલો જઈશ અને માતાજી પૂછશે તો હું શું કહીશ? વાસુદેવ મૂર્છામાં છે. રામચંદ્રજી કહે છે-ભાઈ! એક વાર બોલ; માતાજીને હું શું જવાબ દઈશ? અહા! રામચંદ્રજીને તે સમયે પણ શ્રદ્ધાન તો છે કે વાસુદેવને રાજ્ય મળે પછી જ મૃત્યુ થાય છતાં રાગે એવું કામ કર્યું.
પછી કોઈના કહેવાથી ભરતના રાજ્યમાંથી ત્રિશલ્યા નામે એક કુમારિકા હતી તેને બોલાવી. ત્રિશલ્યાને સમ્યગ્દર્શન ન હતું પણ પૂર્વે એવું પુણ્ય બાંધેલું કે તે છાવણીમાં દાખલ થઈ કે કેટલા ઘાયલ સૈનિકોને રૂઝ આવી અને તેણીએ સ્નાન કરીને પાણી છાંટયું કે તરત જ લક્ષ્મણ મૂર્છામાંથી જાગ્રત થયા. રામચંદ્રજી આવા પ્રસંગે પણ ધૈર્ય ધારી રહ્યા; તેમણે પોતાનું જ્ઞાનપણું છોડયું નહિ. કર્મના ઉદયના આકરા ઘેરાવામાં પણ તેઓ અજ્ઞાનભાવને પ્રાપ્ત ન થયા, રાગી-દ્વેષી-મોહી ન થયા, અંતરંગમાં આત્માના આશ્રયે જ્ઞાનમયપણે જ પરિણમતા રહ્યા.
કર્મના ઉદય વડે તપ્ત થયો થકો પણ જ્ઞાની રાગી, દ્વેષી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે. ભલે વિકલ્પ હો, પણ લબ્ધજ્ઞાનમાં તે આત્માને