Pravachan Ratnakar (Gujarati). Gatha: 186.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1866 of 4199

 

ગાથા–૧૮૬

कथं शुद्धात्मोपलम्भादेव संवर इति चेत्–

सुद्धं तु बियाणंतो सुद्धं चेवप्पयं लहदि जीवो।
जाणंतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि।। १८६।।
शुद्धं तु विजानन् शुद्धं चैवात्मानं लभते जीवः।
जानंस्त्वशुद्धमशुद्धमेवात्मानं लभते।। १८६।।

હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ-

જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે;
અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬.

ગાથાર્થઃ– [शुद्धं तु] શુદ્ધ આત્માને [विजानन्] જાણતો-અનુભવતો [जीवः] જીવ [शुद्धं च एव आत्मानं] શુદ્ધ આત્માને જ [लभते] પામે છે [तु] અને [अशुद्धम्] અશુદ્ધ [आत्मानं] આત્માને [जानन्] જાણતો-અનુભવતો જીવ [अशुद्धम् एव] અશુદ્ધ આત્માને જ [लभते] પામે છે.

ટીકાઃ– જે સદાય અચ્છિન્નધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, ‘જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે’ એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ (પરંપરા) તેનો નિરોધ થવાથી, શુદ્ધ આત્માને જ પામે છે; અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, ‘અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે’ એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો નિરોધ નહિ થવાથી, અશુદ્ધ આત્માને જ પામે છે. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.

ભાવાર્થઃ– જે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામેછે; અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાતા નથી તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.