Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1869 of 4199

 

૪૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ થયો. જ્ઞાનની ધારાવાહી એકાગ્રતાની પ્રગટતા અને રાગમય ભાવનો નિરોધ થવો એનું નામ સંવર છે. જ્યાં અચ્છિન્નધારાએ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માના અનુભવની પ્રગટતા થઈ ત્યાં રાગદ્વેષમોહની સંતતિ અટકી જાય છે; આનું નામ સંવર છે, ધર્મ છે. સંવર થતાં શુદ્ધ આત્માનો ભેટો થાય છે, ભગવાન નિર્મળાનંદના આનંદનો અનુભવ થાય છે. હવે કહે છે-

‘અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, ‘‘અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે’’-એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો નિરોધ નહિ થવાથી, અશુદ્ધ આત્માને જ પામે છે.’

શું કહ્યું? કે જે સદાય અજ્ઞાનથી એટલે કે રાગથી મને લાભ થશે એવી મિથ્યાદ્રષ્ટિ વડે અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે અશુદ્ધ આત્માને અર્થાત્ મલિન ભાવને જ પામે છે. મા- બાપ આપણાં છે, તેમણે આપણને પાળી-પોષી મોટાં કર્યાં છે; માટે તેમની સેવા કરવી આપણી ફરજ છે એવું માનનારા સદાય અજ્ઞાનથી પરને અને રાગને જ આત્મા માની અશુદ્ધતાને અનુભવ્યા કરે છે. અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ નીપજે એ ન્યાયે નવા કર્મના આસ્રવણનું નિમિત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો નિરોધ નહિ થવાથી તેઓ અશુદ્ધપણાને- મલિનતાને જ અનુભવે છે.

કર્તાકર્મ અધિકારમાં દાખલો આવે છે કે-લોઢામાંથી લોઢાનાં જ હથિયાર થાય, લોઢામાંથી સોનાનાં હથિયાર ન થાય; વળી સોનામાંથી લોઢાનાં હથિયાર ન થાય, તેમ અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનભાવ જ થાય છે. અજ્ઞાની જીવ રાગદ્વેષને પોતાના માનીને અનુભવે છે તેથી એમાંથી રાગમય-અજ્ઞાનમય ભાવ જ ઉત્પન્ન થાય છે, તે અશુદ્ધપણાને જ પામે છે.

રત્નત્રયના રાગને એકત્વપણે અનુભવે તે અજ્ઞાન છે. દેવ-ગુરુ-શાસ્ત્રના શ્રદ્ધાન, ભક્તિ આદિના રાગને પોતાના માનીને અનુભવે તે મિથ્યાદર્શન મિથ્યાભાવ અને અજ્ઞાન છે. અરે ભાઈ! જેને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી તેને વ્યવહારરત્નત્રય કેવાં? તેને વ્યવહારરત્નત્રય હોતાં નથી. વિકલ્પને પોતાનો માનીને અનુભવે ત્યાં તો મિથ્યાત્વ અને અસામાયિકનો ભાવ છે.

બાપુ! ધર્મ તો ધીરાનાં કામ છે. જે કોઈ રાગથી ભિન્ન પડીને આત્માને જ્ઞાનમય અનુભવે છે તેને શુદ્ધ આત્મા પ્રાપ્ત થાય છે અને જે કોઈ અજ્ઞાન વડે રાગને પોતાનો માની અનુભવે છે એને અશુદ્ધતા-મલિનતા પ્રાપ્ત થાય છે.

જુઓ, અહીં એમ ન કહ્યું કે કર્મના ઉદયથી આત્મા અશુદ્ધ થયો માટે તે અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે. અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે એમ કહ્યું છે. કર્મ નિમિત્ત હો, પણ કર્મને લઈને અશુદ્ધતા અનુભવે છે એમ નથી.