૪૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ પ્રગટ કરીને મોક્ષ ગયા, બીજા સાધારણ જીવો હતા તેઓ પુણ્ય ઉપજાવીને સ્વર્ગ કે મનુષ્યમાં ચાલ્યા ગયા અને વાણીનો અને તત્ત્વનો વિરોધ કરનારા નરક અને તિર્યંચ થઈને નિગોદમાં ચાલ્યા ગયા. દિવ્યધ્વનિ છૂટવાના કાળમાં આમ થયું એટલે વ્યવહારે એમ કહેવાય પણ વાણીના કારણે આ થયું છે એમ નથી. એવી જ જીવોની યોગ્યતા હતી; વાણી તો નિમિત્તમાત્ર છે, વાણીથી લાભ કે નુકશાન થતું નથી. ભાઈ! માર્ગ તો આ છે, કોઈને બેસે, ન બેસે-એમાં સૌ સ્વતંત્ર છે.
વળી કોઈ કહે છે-કાર્ય કોઈ વાર ઉપાદાનથી થાય અને કોઈ વાર નિમિત્તથી થાય એમ અનેકાન્ત રાખો. કોઈ વાર વ્યવહારથી નિશ્ચય થાય અને કોઈ વાર ન થાય એમ અનેકાન્ત છે. તેને કહીએ છીએ કે ભાઈ! એવો અનેકાન્ત નથી, પણ એ તો ફુદડીવાદ છે. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે શુદ્ધ આત્માના અનુભવથી જ સંવર થાય છે અને દયા, દાન આદિ શુભપરિણામથી કદી સંવર થતો નથી કેમકે તે શુભપરિણામ આસ્રવ છે. કાર્ય હંમેશાં ઉપાદાનથી જ થાય અને નિમિત્તથી ન થાય એ સમ્યક્ અનેકાન્ત છે.
‘જે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામે છે.’
જોયું? ભાષા કેવી લીધી? અહા! અખંડ દ્રષ્ટિનો વિષય જે ત્રિકાળી શુદ્ધ આત્મા તેને દ્રષ્ટિમાં લઈ જે પરિણમ્યો તે અખંડ ધારાવાહી પોતાને શુદ્ધ જ અનુભવ્યા કરે છે. તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાય છે અર્થાત્ પ્રગટતા નથી. તેથી તે શુદ્ધ આત્માને-શુદ્ધતાને પામે છે અને એનું નામ સંવર છે.
‘અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસ્રવો રોકાતા નથી તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે.’
અજ્ઞાનીને ભાન નથી કે પોતાનો શુદ્ધ ચિદાનંદ ભગવાન રાગરૂપે કદીય થયો જ નથી. અહાહા...! પોતાનું પરમ ચૈતન્યનિધાન સંસારના ઉદયભાવરૂપ થયું જ નથી. આવું ભાન નહિ હોવાથી અજ્ઞાનીને રાગદ્વેષમોહરૂપ ભાવાસ્રવો રોકાતા નથી અર્થાત્ તે રાગાદિભાવે જ પરિણમે છે. તેથી તે અશુદ્ધ આત્માને અશુદ્ધતાને જ પામે છે. વ્યવહારના રાગને પણ જે પોતાના માની અનુભવે છે તે અશુદ્ધતાને એટલે કે મલિનતાને જ પામે છે, સંસારને જ પામે છે.
આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે. લ્યો, આ કોઈ વાર શુભભાવથી પણ સંવર થાય છે એમ માનનારાઓની માન્યતા મિથ્યા છે એમ અહીં સ્પષ્ટ કર્યું.