સમયસાર ગાથા-૧૮૭ થી ૧૮૯ ] [ ૪૧૭ સ્વરૂપ-જ્ઞાતાદ્રષ્ટાસ્વરૂપ છે તે આત્મા છે. આવા પરમ પવિત્ર જ્ઞાનદર્શનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત કરીને એટલે કે સ્થિત કરીને સંવર-નિજસ્વરૂપ પ્રગટ થાય છે. અહાહા...! આચાર્ય અંતરની કેવી વાત કરે છે! કે શુભાશુભભાવ જે અશુદ્ધ છે તેને ભેદજ્ઞાનના અભ્યાસથી રોકીને પોતાને જ્ઞાનસ્વરૂપ આત્મદ્રવ્યમાં સુપ્રતિષ્ઠિત-સુસ્થિત કરવાથી ધર્મ-સંવર પ્રગટ થાય છે. વળી કહે છે-
‘સમસ્ત પરદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે સર્વ સંગથી રહિત થઈને,’...
જુઓ, પોતાના શુદ્ધ આત્મા સિવાય જે કોઈ પર આત્માઓ અને પરદ્રવ્યો છે તે સર્વની ઇચ્છાનો ત્યાગ જે કરે છે તેને ધર્મ પ્રગટ થાય છે.
ત્યારે માણસો કહે છે-આવું તો બાવો થાય ત્યારે થઈ શકે.
તેને કહીએ છીએ-ભગવાન! તું જ્યાં હોય ત્યાં પરથી રહિત જ તમારું સ્વરૂપ છે અર્થાત્ ખરેખર તું સ્વરૂપથી બાવો (પરદ્રવ્યથી રહિત) જ છો. પોતાના દ્રવ્યમાં નજર કરતાં જણાશે કે ઇચ્છા તારામાં છે જ નહિ, તો પછી તેને રોકવી-ત્યાગવી એ વાત કયાં રહી? અહાહા...! ભગવાન ચિદાનંદસ્વરૂપમાં સ્થિર થતાં ઇચ્છા ઉત્પન્ન થતી નથી એટલે ઇચ્છાને રોકી-ત્યાગી એમ કહેવાય છે. આ પ્રમાણે ઇચ્છાના-આસ્રવના નિરોધપૂર્વક સંવર પ્રગટ થાય છે.
જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્ર-એ પણ પરદ્રવ્ય છે. એ સમસ્ત પરદ્રવ્ય પ્રત્યેની ઇચ્છાનો ત્યાગ કરતાં સર્વસંગરહિત થાય છે. અંતરમાં (અભિપ્રાયમાં) સર્વ રાગથી રહિત થવાનું નામ સર્વસંગરહિતપણું છે. દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેનો શુભરાગ પણ કર્તવ્ય કે ભલો છે એમ નથી એમ અભિપ્રાય થતાં સર્વસંગરહિત થાય છે. વળી કહે છે-
જે ‘નિરંતર અતિ નિષ્કંપ વર્તતો થકો, કર્મ-નોકર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને જ આત્મા વડે ધ્યાતો થકો, પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે તે જીવ...’
અહાહા...! ભાષા તો જુઓ! અતિ નિષ્કંપ-નિશ્ચલ થયો થકો, વળી શરીર, મન, વાણી, કર્મ ઇત્યાદિનો જરા પણ સંગ કર્યા વિના, જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના શુદ્ધ જ્ઞાનદર્શનમય આત્માને જ શુદ્ધ પર્યાય વડે ધ્યાવે છે.
પોતે સહજ ચેતયિતા છે. પહેલાં દર્શનજ્ઞાનરૂપ કહ્યો હતો, અહીં બન્નેને ભેગા કરી ચેતયિતા કહ્યો. અહાહા...! ભગવાન આત્મા ચેતયિતા માત્ર ચેતનાર એટલે જાણનાર-દેખનાર છે; જગતનો બનાવનાર કે જગતમાં ભળનાર નથી. ગંભીર વાત છે પ્રભુ! પોતે જગતથી નિરાળો ભગવાન ચેતયિતા માત્ર ચેતનારો છે. સહજ ચેતયિતાપણું