૪૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬
પોતાના જ્ઞાન, દર્શન આદિ અનંતગુણોથી પરિપૂર્ણ ભગવાન આત્મા ઇચ્છા-રાગ અને પરદ્રવ્યથી સદા ખાલી છે. એવું જ એનું સ્વરૂપ છે. એવા પોતાના સ્વરૂપમાં દ્રષ્ટિ દઈને એકાગ્ર થતાં આત્માનુભવ પ્રાપ્ત થાય છે. એ આત્માનુભવમાં જ સ્વરૂપની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટે છે. તે કાળે કોઈ વિકલ્પ કે વિચાર ન હોય. વસ્તુ પોતે નિર્વિકલ્પ વીતરાગસ્વરૂપ છે; તેથી વીતરાગી પર્યાય પણ નિર્વિકલ્પ અનુભવમાં -ધ્યાનમાં જ પ્રાપ્ત થાય છે. આવી નિર્વિકલ્પ વીતરાગી સમ્યગ્દર્શન-જ્ઞાનની દશા પ્રગટ થઈ છે તે જીવ શુદ્ધદર્શનજ્ઞાનમય આત્માને પરદ્રવ્યથી ભિન્ન ચેતતો-અનુભવતો સ્થિર થઈને અલ્પકાળમાં પૂર્ણ પરમાત્મપદને પામે છે. અહો! પંચમ આરાના મુનિ પૂર્ણ પરમાત્મપદની પ્રાપ્તિરૂપ મોક્ષની વાત કહે છે; એમ કહેતા નથી કે અત્યારે મોક્ષ નથી પણ આ વિધિ વડે મોક્ષ થાય છે એમ દ્રઢપણે કહે છે.
કેટલાક લોકો કહે છે કે અત્યારે તો શુભ ઉપયોગ જ હોય. તેને કહીએ છીએ કે ભાઈ! શુભ ઉપયોગ છે તે પુણ્યભાવ છે, ધર્મ નથી. જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે-જે કોઈ આત્માને છોડીને પુણ્ય કરે છે તેને એના ફળરૂપ ભોગની જ અભિલાષા છે. આગળ બંધ અધિકારમાં લીધું છે કે-અભવ્ય જીવ ભોગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધે છે, કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ. અરે ભાઈ! જેને પુણ્ય વહાલું લાગે છે તેને તેના ફળરૂપ પંચેન્દ્રિયના વિષયોની જ વાંછા છે. પુણ્યનો અભિલાષી ભોગનો જ અભિલાષી છે.
પ્રશ્નઃ– જ્ઞાનીને પણ પુણ્યભાવ તો આવે છે?
ઉત્તરઃ– હા, જ્ઞાનીને પણ પુણ્યભાવ આવે છે, પણ તેની તેને રુચિ કે પ્રેમ નથી. જ્ઞાનીને પુણ્યભાવમાં ધર્મબુદ્ધિ કે સુખબુદ્ધિ નથી; જ્યારે અજ્ઞાની પુણ્યને ભલું અને ધર્મરૂપ માને છે, તેને પુણ્યમાં સુખબુદ્ધિ હોય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘भेदविज्ञानशक्तया निजमहिमरतानां एषां’ જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ મહિમામાં લીન રહે છે તેમને ‘नियतम्’ નિયમથી ‘शुद्धतत्त्वोपलंभः’ શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ ‘भवति’ થાય છે.
શું કહ્યું? ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા ત્રિકાળ અકૃત્રિમ છે અને રાગાદિ સર્વ ચીજો કૃત્રિમ છે. જેઓ રાગથી ભેદ કરીને ભેદજ્ઞાનના બળ વડે પરમ મહિમાવંત સહજ અકૃત્રિમ નિજ ચૈતન્યસ્વરૂપમાં મગ્ન રહે છે તેમને નિયમથી ચિદાનંદમય શુદ્ધ તત્ત્વનો અનુભવ થાય છે. ભેદવિજ્ઞાનની શક્તિ વડે’-એમ કહ્યું એટલે કે