સમયસાર ગાથા-૧૮૭ થી ૧૮૯ ] [ ૪૨૧ શુભરાગની સહાય કે મદદથી નહિ પણ રાગમાત્રથી ભેદ કરીને, ભિન્ન પડીને જેઓ શુદ્ધ દર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યમાં નિમગ્ન થઈને રહે છે અર્થાત્ એને જ પોતાનું જ્ઞેય બનાવી ધ્યાન કરે છે તેમને અવશ્ય શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે. અહાહા...! વસ્તુ આત્મા જ્ઞાતા- દ્રષ્ટાસ્વરૂપ છે. જેને જ્ઞાતાનું જ્ઞેય જ્ઞાતા અને દ્રષ્ટાનું દ્રશ્ય દ્રષ્ટા એવો ભગવાન આત્મા છે તેને નિયમથી શુદ્ધ આત્મતત્ત્વની - અંતઃતત્ત્વની ઉપલબ્ધિ થાય છે.
स्थितानां’ અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને, ‘अक्षयः कर्ममोक्षः भवति’ અક્ષય કર્મમોક્ષ થાય છે.
અહાહા...! રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ થતાં તે સ્વરૂપમાં નિયત થઈ અચલિતપણે સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર રહે છે. સમસ્ત અન્યદ્રવ્યોમાં દેવ, ગુરુ, શાસ્ત્ર, મંદિર, પ્રતિમા તથા તે પ્રત્યેની ભક્તિનો રાગ ઇત્યાદિ બધું આવી ગયું.
સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને અક્ષય કર્મ મોક્ષ થાય છે અર્થાત્ ફરીને કદીય કર્મબંધ ન થાય એવો દ્રવ્યકર્મ-ભાવકર્મથી છૂટકારો થાય છે. ભાષા તો જુઓ! પરદ્રવ્યથી અને રાગથી ભિન્ન પડીને આત્માના અનુભવના સામર્થ્ય વડે અંતઃસ્થિરતાની જમાવટ કરીને તેઓ અલ્પકાળમાં મુક્તિ પામે છે, પરમ સુખમય એવા સિદ્ધપદને પામે છે. વચ્ચે પડી જશે એમ વાત જ નથી.
ભાઈ! આ તો ધીરાનાં કામ છે. તેઓને અક્ષય કર્મમોક્ષ થાય છે એટલે કે ફરીને કર્મબંધ થાય નહિ તેવો મોક્ષ થાય છે; અર્થાત્ કર્મ મૂળથી જ વિનાશ પામી જાય છે અને સ્વભાવમાત્ર વસ્તુ રહી જાય છે. લ્યો, આવી વાત છે.