સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪૨૭ તેમાં ભગવાનનો આ ઉપદેશ છે. ભગવાન! તું કોણ છો? અને આ વિકલ્પ ઉત્પન્ન થાય છે તે શું છે? તો કહે છે-ભગવાન! તું ચિદાનંદઘનસ્વરૂપ વસ્તુ આત્મા છો અને આ જે વિકલ્પો ઉત્પન્ન થાય છે તે તારાથી ભિન્ન પરચીજ છે. બન્ને ભિન્ન ભિન્ન છે. તારી શુદ્ધ ચૈતન્યમય સ્વચીજ અને વિકારી કર્મ જે પરચીજ-એ બેની એકતાનો જે અભિપ્રાય છે તે મિથ્યાત્વ- અજ્ઞાન-અવિરતિ-યોગનું મૂળ છે.
અહા! જેમ માતા બાળકને સુવાડવા મીઠાં હાલરડાં ગાય છે તેમ અહીં ત્રણલોકના નાથ આત્માનાં મધુર ગાણાં ગાઈને આત્માને જગાડે છે. જાગ રે ભાઈ જાગ! આવું મનુષ્યપણું મળ્યું, સર્વજ્ઞની વાણી મળી; હવે કયાં સુધી તારે સૂવું છે? આગળના જમાનામાં નાટકમાં પણ ઉત્તમ દ્રશ્યો જોવા મળતાં. એમાં માતા બાળકને સુવાડવા હાલરડાં પણ આવાં ગાતી કે-બેટા! તું નિર્વિકલ્પ છો, શુદ્ધ છો, ઉદાસીન છો. લ્યો, નાટકમાં પણ ત્યારે આવું આવતું. અત્યારે તો જેને ધર્માયતનો કહેવાય ત્યાં પણ આવા શબ્દો સાંભળવા મળવા દુર્લભ છે.
આચાર્યદેવ આત્માને ભગવાન કહીને જ બોલાવે છે. આ સમયસાર ગાથા ૭૨ માં આત્માને ત્રણ વાર ભગવાન કહીને બોલાવ્યો છે. ત્યાં એમ આવે છે કે-શુભાશુભ ભાવ જડ છે, અશુચિ છે. પંચમહાવ્રતના પરિણામ રાગ છે, આસ્રવ છે અને તેથી તેઓ મેલપણે અનુભવાય છે. પરના લક્ષે ઉત્પન્ન થતી કોઈ પણ વૃત્તિ રાગ છે. કોઈ એને ધર્મ માને તો તે એની ભૂલ છે. વળી તે જડ છે માટે તેની સાથે એકત્વબુદ્ધિ કરનાર, એનાથી લાભ માનનાર પણ જડ છે. અહીં આચાર્યદેવ કહે છે કે-આત્મા અને વિકારની એકપણાની માન્યતા મિથ્યાત્વ-અજ્ઞાન- અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનનું કારણ છે, અને એ અધ્યવસાન રાગદ્વેષમોહસ્વરૂપ આસ્રવભાવનાં કારણ છે.
હવે કહે છે-‘આસ્રવભાવ કર્મનું કારણ છે; કર્મ નોકર્મનું કારણ છે; અને નોકર્મ સંસારનું કારણ છે.’ મતલબ કે રાગાદિ આસ્રવભાવના નિમિત્તે નવાં કર્મનો બંધ થાય છે; કર્મના નિમિત્તે નોકર્મ એટલે શરીરાદિ મળે છે અને નોકર્મ એ સંસારનું કારણ છે.
‘માટે -સદાય આ આત્મા, આત્મા અને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ- અજ્ઞાન-અવિરતિ-યોગમય આત્માને માને છે; તેથી રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવને ભાવે છે, તેથી કર્મ આસ્રવે છે; તેથી નોકર્મ થાય છે; અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે.’
જુઓ, આત્મા તો સદા જ્ઞાન અને આનંદસ્વરૂપ જ છે. પરંતુ અજ્ઞાની જીવ અજ્ઞાનવશ રાગને પોતાનો માનતો હોવાથી રાગની ભાવના કરે છે. તેથી કર્મ આસ્રવે છે અને તેથી નોકર્મ- શરીરાદિનો તેને સંયોગ થાય છે, અને તેથી સંસાર ઉત્પન્ન